Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજસ્થાન: બારાંમાં સગીર બહેનો સાથે દુષ્કર્મ પર CM ગેહલોતની સ્પષ્ટતા

રાજસ્થાન: બારાંમાં સગીર બહેનો સાથે દુષ્કર્મ પર CM ગેહલોતની સ્પષ્ટતા

0
181

જયપુર: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા જધન્ય સામુહિક દુષ્કર્મ કાંડ (Hathrash Gang Rape) બાદ હવે રાજસ્થાનના બારાંમાં પણ સામુહિક દુષ્કર્મની (Baran Gang Rape) ઘટના સામે આવી છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)ના નિવેદન ઉપરથી એવું લાગી રહ્યું છે કે, જાણે રાજ્ય બદલાઈ જવાથી રેપની વ્યાખ્યા પણ બદલાઈ જશે.

હકીકતમાં બારાંની ઘટનાની તુલના હાથરસની ઘટના સાથે થવાને લઈને ગેહલોતે જવાબ આપ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે કહ્યું કે, બારાંમાં ઘટેલી ઘટનાની સરખામણી હાથરસ જેવા જધન્ય કાંડ સાથે કરીને વિપક્ષ અને મીડિયાનો એક વર્ગ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું કે,
“હાથરસની ઘટના નીંદનીય છે. તેની જેટલી ટીકા કરવામાં આવે, તેટલી ઓછી છે. જો કે દુર્ભાગ્યથી રાજસ્થાનના બાંરામાં થયેલી દુષ્કર્મની ઘટનાની સરખામણી હાથરસની ઘટના સાથે કરવામાં આવી રહી છે. જ્યારે બાંરામાં સગીરાઓએ ખુદ મેજિસ્ટ્રેસ સમક્ષ નિવેદનમાં પોતાની સાથે બળજબરી થઈ હોવાનો ઈન્કાર કર્યો છે. તેઓ પોતાની મરજીથી આરોપી યુવકો સાથે ફરવા ગઈ હોવાની વાત જણાવી છે.”

રાજસ્થાન CMએ વધુમાં જણાવ્યું કે, સગીરાઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. તપાસમાં સામે આવ્યું કે, છોકરાઓ પણ સગીર વયના જ છે. હાલ આગળની તપાસ ચાલુ જ રહેશે.

આ પણ વાંચો: હાથરસ કાંડ: પીડિતાના પરિવારને મળવા જતાં રાહુલ-પ્રિયંકાને અટકાવાયા

મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, ઘટના ઘટવી એક વાત છે અને કાર્યવાહી કરવી બીજી. ઘટના ઘટી છે, તો કાર્યવાહી પણ તાત્કાલીક કરવામાં આવી. મીડિયાનો એક વર્ગ અને વિપક્ષ હાથરસ જેવા જધન્ય કાંડ સાથે આ કેસની સરખામણી કરીને રાજ્ય અને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના બારાંમાંથી બે સગીરા બહેનો 19 સપ્ટેમ્બરે પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જેમને 22 સપ્ટેમ્બરે કોટામાંથી ઝડપી પાડવામાં આવી. નિવેદન નોંધ્યાં બાદ આ બન્ને સગીરાઓને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સગીરાઓએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેમની સાથે દુષ્કર્મ નથી આચરવામાં આવ્યું. બન્નેની મેડિકલ તપાસમાં પણ દુષ્કર્મની પુષ્ટિ નથી થઈ.

જ્યારે ભાજપના પ્રવક્તા રામલાલ શર્માએ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ધારાસભ્ય શર્માએ કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં રાજસ્થાનને શર્મસાર કરતી અનેક ઘટનાઓ સામે આવી છે. આમ છતાં સરકાર આવી ઘટનાઓ પર લગામ લગાવા માટે યોગ્ય પગલા નથી લઈ રહીં.