ગાંધીનગર: રાજ્યમાં આજથી નવરાતનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાતના પ્રથમ દિવસે જ અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના અનેક શહેરોમાં વરસાદી ઝાપટા પડતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા.
Advertisement
Advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હવામાનમાં પલટો
અમદાવાદમાં નવરાત્રિના પહેલા જ નોરતાના દિવસે વરસાદ પડ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઇવાડી, જશોદાનગર, CTM, વટવા, ઘોડાસર, ઇશનપુર, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
વડોદરામાં પણ વરસ્યો વરસાદ
વડોદરામાં પણ બે વર્ષ પછી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. હવામાનમાં અચાનક પલટો આવતા ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે. વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી.રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, અક્ષર ચોકમાં વરસાદ વરસ્યો હતો જ્યારે જામ્બુવા, મકરપુરા, માંજલપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કારેલીબાગ, ખોડિયારનગર, આજવા રોડ પણ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા.
અમરેલી-ભાવનગરમાં પણ વરસાદ
સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. આસો મહિનાના પ્રારંભમાં જ અષાઢી માહોલ જોવા મળતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. અમરેલીના ખાંભાના પીપળવા, ખડાધાર, ધુંધવાળા સહિત ગીર જંગલ વિસ્તારની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Advertisement