Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં 5 વર્ષમાં 942 વિસ્ફોટ, PM મોદી કાન ખોલીને સાંભળી લે: રાહુલ

દેશમાં 5 વર્ષમાં 942 વિસ્ફોટ, PM મોદી કાન ખોલીને સાંભળી લે: રાહુલ

0
336

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાં 942 બોમ્બ વિસ્ફોટ થયા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, વડાપ્રધાન મોદી કહે છે કે, 2014 બાદ દેશમાં વિસ્ફોટોના અવાજ નથી સંભળાયા. 2014થી અત્યાર સુધી પુલવામા, પઠાનકોટ, ઉરી અને ગઢચિરોલી સહિત 942 વિસ્ફોટો કરવામાં આવ્યા છે. વડાપ્રધાને પોતાના કાન ખુલ્લા કરીને તેના અવાજ સાંભળવા જોઈએ.

રાહુલનું આ નિવેદન બુધવારે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલી હુમલો થયા બાદ સામે આવ્યું છે. આ હુમલામાં પોલીસના 15 કમાન્ડો અને એક નાગરિકનું મોત નીપજ્યુ હતું.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ મોદી સરકારની આલોચના કરતા જણાવ્યું કે, ભાજપના નેતૃત્વવાળી સરકાર પોતાની ખોટી વાહવાહી કરીને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે તેમનું ચરિત્ર ઉજાગર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પુલવામા હુમલા બાદ મોટી-મોટી વાતો કર્યા સિવાય તેમણે કોઈ બોધ લીધો નથી. કોંગ્રેસ નક્સલીઓના આ કાયરતા પૂર્ણ કૃત્યની નિંદા કરે છે. અમે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમનું બલિદાન વ્યર્થ નહી જવા દઈએ.

ખેડાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં ખોટી વાહવાહી કરવી, ખોટા વાયદા કરવા તે આપણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે મોદી સરકારના વલણને દર્શાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં 1086 નક્સલી હુમલાઓ થયા છે. જેમાં 391 જવાનો અને 582 નાગરિકોના મોત નીપજ્યા છે.

પવન ખેડાએ વડાપ્રધાનને પ્રશ્ન પૂછ્યો છે કે, શું નરેન્દ્ર મોદી નક્સલી હુમલાના વધતા ખતરાની જવાબદારી સ્વીકારશે? ગત મહિને દંતેવાડામાં નક્સલી હુમલો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ માટે છત્તીસગઠની નવી સરકારને જવાબદાર ગણી હતી. જ્યારે છત્તીસગઢમાં ભાજપના 10 વર્ષના શાસનમાં 1 હજાર CRPFના જવાનોએ શહીદી વહોરી છે.