Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પેન્શનની રકમમાંથી 3 હજારથી વધુ ” પવિત્ર કુર્આન ” નું વિતરણ કરાયું

પેન્શનની રકમમાંથી 3 હજારથી વધુ ” પવિત્ર કુર્આન ” નું વિતરણ કરાયું

0
133
  • કોમી એખલાસ, ભાઇચારા, વિશ્વ શાંતિ માટેનો નમ્ર પ્રયાસ કરતાં વકારભાઇ

  • ચારેતરફ નફરત ફેલાયેલી હોવાથી તેમને અલ્લાહનો શાંતિ સંદેશો ફેલાવવા ” કુર્આન ” આપે છે

  • ગુજરાતી, હિન્દી, ઉર્દુ તથા અંગ્રેજી ભાષામાં ” કુર્આન “ની બુક તૈયાર કરાવી

મનોજ કે. કારીઆ, ગાંધીનગર: આજે દેશ અને દુનિયામાં બે સૂત્રોનું ચલણ ઉત્તરોત્તર વધતું જાય છે. મારે શું અને મારું શું. આ સૂત્રોએ માનવીને સ્વાર્થી બનાવી દીધો છે. તેની પાછળ આંધળી દોટ મૂકવાના કારણે માનવીની શાંતિ હણાતી જાય છે. તેની સીધી અસર સમાજ, દેશ અને દુનિયામાં પડે છે. જેના કારણે જ માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતિ સર્જાતી જાય છે. આ અશાંતિભર્યા માહોલમાં અલ્લાહનો શાંતિનો સંદેશો પહોંચાડવા માટે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર સમા રાયખડ સ્થિત જયશુંકર સુંદરી હોલ સામે સહેલી ખાતે રહેતાં વકાર એહમદભાઇએ રિતસરની ઝુંબેશ ઉપાડી છે. નિવૃત્ત શિક્ષક વકાર એહમદભાઇ પોતાના પેન્શનની રકમમાંથી ” પવિત્ર કુર્આન ” ખરીદીને તેનું વિતરણ કરી રહ્યાં છે. માર્ચ -2018થી પ્રારંભ કરેલા આ સદ્દકાર્યમાં આજસુધીમાં 3 હજારથી વધુ ” પવિત્ર કુર્આન ” નું વિતરણ કર્યું છે.

અલ્લાહના શાંતિદૂત બનીને લોકોમાં શાંતિનો સંદેશો પહોંચાડવાની નેમ ધરાવતા વકાર એહમદભાઇ મૂળ ઉત્તરપ્રદેશના અમરોહાના વતની છે. પરંતુ તેમનો જન્મ 10મી ઓક્ટોબર 1946ના રોજ અમદાવાદમાં જ થયો હતો. અમદાવાદમાં જ બી.કોમ., બી.એડ.નો અભ્યાસ મેળવીને તેમણે શિક્ષક તરીકે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મ્યુનિ. શાળામાં નોકરી શરૂ કરી હતી. સતત 31 વર્ષ સુધી ધો.6 અને 7ના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની સાથે માનવતાંના પાઠ ભણાવતાં વકારભાઇ 1996માં નિવૃત્ત થયા હતા. નિવૃતિ બાદ તેમણે સામાજિક સેવાના કાર્યો શરૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, ચોતરફ નફરત ફેલાયેલી છે. અને ” પવિત્ર કુર્આન “માં 80 ટકા શાંતિનો સંદેશો છે. માટે ” ” પવિત્ર કુર્આન ” ને લોકો સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો હતો. આ પવિત્ર કુર્આનનું પદ્યવિભૂષણ મૌલાના વહીદુદ્દીન ર્ખાં દ્રારા 33 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. દરેક સમાજના લોકો વાંચી સમજી શકે તે હેતુથી વકારભાઇ આ ” પવિત્ર કુર્આન ” ની ઉર્દુ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની નકલો સ્વખર્ચે ખરીદે છે. તેમને માસિક મળતાં પેન્શનની રકમમાંથી જ તેઓ આ બુક ખરીદીને વિનામૂલ્યે વિતરણ કરે છે. અત્યારસુધીમાં 3 હજારથી વધુ પવિત્ર કુર્આનનું વિતરણ કરી ચુકયા છે.

એકદમ સરળ સ્વભાવના વકારભાઇએ તેમના ઘરની બહાર જ પવિત્ર કુર્આન વિનામૂલ્યે મળશે તેમ લખ્યું છે. જે પણ તેમને ત્યાં આવે છે તેમને તેઓ આપે છે. તેમના આ સદ્દકાર્યની જાણ વાયુવેગે પ્રસરતી જાય છે. તેમણે રાજુલા ખાતેની ગાયત્રી શક્તિપીઠને 20 નકલો મોકલી હતી. આ સિવાય તેમણે સ્વામિનારાયણ સંસ્થાને પણ નકલો પહોંચાડી છે.

વાતચીત કરતાં કરતાં જ તેમણે કહ્યું કે, મારા આ સેવાકાર્યને જોઇને ભાવનગરના એક હિન્દુ ભાઇએ 2019માં મારા ઘરે 410 હિન્દી તથા ગુજરાતી ભાષામાં પવિત્ર કુર્આનની નકલો મોકલી આપી હતી. તેઓ કોણ છે તે પણ હું જાણતો નથી. આમ બંને પ્રકારના તેમના અનુભવો છે. તેઓ જેમને પવિત્ર કુર્આન આપે છે તેઓ પણ ખૂબ જ આદરપૂર્વક સ્વીકારે છે.

તેમણે કહ્યું કે, શાંતિ, પ્રેમ ભાવનાથી સૌ કોઇનો ઉત્કર્ષ થશે. બધાં હળીમળીને રહીશું તો જ દેશને મહાસત્તા વહેલાં બનાવી શકીશું.

તેઓ કહે છે કે, કુર્આનને વાંચીને સાચો ઇસ્લામ ધર્મ સમજે અને જીવનમાં ઉતારે તે જરૂરી છે. તેમણે એક પેમ્ફલેટ પણ તૈયાર કર્યું છે. એક માનવ , મુઝે ભારતીય હોને કા પુરા ગર્વ હૈ. શિર્ષક હેઠળના લખાણમાં વેધક વાતો છે. તેમાં પણ ત્રણ ભાષા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં કુર્આનના અમૂક વાક્યો રજૂ કર્યા છે. તેમણે લખ્યું છે કે, આઓ મિલકર રહે લોગો, મિલકે રહેના ભી એક ઇબાદત હૈ. તે જ રીતે ભાગવત ગીતાના પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશના હેડીંગ તળે એકથી અઢાર અધ્યાયનો સારાંશ આપતું પેમ્ફ્લેટનું પણ તેઓ વિતરણ કરે છે.

વકારભાઈના ધર્મપત્ની ખુરશીદબાનુએ ભારતને નામના અપાવી

વકારભાઇ જ નહીં બલ્કે તેમના ધર્મપત્ની ખુરશીદબાનુએ 1988માં રશિયામાં તાશકંદ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા યોજાયો હતો. તેનો શામ્યાનો તૈયાર કરવાનું આમંત્રણ ખુરશીદબાનુને મળ્યું હતું. તેમણે એ કામ સરસ રીતે કરીને ભારતને ગૈરવ અપાવ્યું હતું. તેમનું નામ અને કામની નોંધ રશીયન બુક ઓફ ફેસ્ટીવલમાં પણ લેવાઇ હતી. તેમણે 2002ના વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધનના દિવસે રાખડી પણ બાંધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat