નવી દિલ્હી: કોંગ્રેસમાં સિદ્ધૂના ડ્રામા અને પંજાબમાં રાજકીય સંકટને પ્રિયંકા-રાહુલ ગાંધી દ્વારા સારી રીતે હેન્ડલ ના કરવાથી પાર્ટીના નેતૃત્વથી નારાજ ચાલી રહેલા જી-23 (G-23) ગ્રુપને હુમલાની નવી તક મળી ગઇ છે. ગત વર્ષે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા જી-23 ગ્રુપના પત્રએ ચર્ચા જગાવી હતી.
પંજાબમાં કોંગ્રેસ માટે મુશ્કેલી અને રાહુલ-પ્રિયંકાના નિર્ણય પર ઉઠી રહેલા સવાલો વચ્ચે આ ગ્રુપે પોતાની જૂની માંગોને દોહરાવવાની તક મળી ગઇ છે.
પાર્ટીમાં કોણ લે છે નિર્ણય?
સીનિયર કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તક ના ચૂકતા પાર્ટીમાં નેતૃત્વના અભાવ તરફ ધ્યાન અપાવવા માટે તુરંત પત્રકાર પરિષદ બોલાવી હતી. કપિલ સિબ્બલે પાર્ટી છોડીને જઇ રહેલા લોકો, અધ્યક્ષ અને વર્કિગ કમિટીની પસંદગીમાં મોડુ થવા તરફ ધ્યાન દોર્યુ હતુ. સિબ્બલે કહ્યુ, અમારી પાર્ટીમાં કોઇ અધ્યક્ષ નથી, અમે જાણતા પણ નથી કે નિર્ણય કોણ લઇ રહ્યુ છે.
જે સમયે કપિલ સિબ્બલ આ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા તે સમયે પંજાબના પાર્ટી સાંસદ મનીષ તિવારી ન્યૂઝ ચેનલો સાથે વાત કરી રહ્યા હતા. તિવારીએ ચેનલો સાથે વાચતીમાં કહ્યુ કે પાર્ટી આગળ વધવા માટે 4 મહત્વની વસ્તુ છે- નેતૃત્વ, સંગઠન, નેરેટિવ અને પુરતુ ફંડિગ.
આ પણ વાંચો: કેપ્ટન અમરિંદર સિંહ બનાવી શકે છે નવી પાર્ટી, સંપર્કમાં ડઝનથી વધારે કોંગ્રેસી નેતા
જોકે, કોંગ્રેસમાંથી આ બધી વસ્તુ ગાયબ દેખાય છે. ઉદાહરણ તરીકે જોઇએ તો પાર્ટીમાં લીડરશિપને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પરંતુ કહેવામાં આવે છે કે હજુ પણ તમામ મોટા નિર્ણય રાહુલ ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી સાથે મળીને લે છે. સોનિયા ગાંધી માત્ર તેને આગળ વધારે છે, બીજા શબ્દોમાં કહીએ તો કોઇની પણ જવાબદારી નક્કી નથી.