જે આદિવાસીઓ ભાજપમાં છે એ લોકો આદિવાસીઓને ખતમ કરવાના કૃત્ય સામે અવાજ ઉઠાવી સાબિત કરે કે પોતે પક્ષના ગુલામ નથી: હરેશ વસાવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
Advertisement
Advertisement
મોટી સંખ્યામાં યુવાનો નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પહોંચી સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા, નિર્ણય પરત ખેંચે એવી માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: કેન્દ્ર સરકાર દ્વારા દેશની વિવિધ 12 જેટલી જાતિઓનો આદિજાતિમાં સમાવેશ કરતાં નર્મદા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, ગરુડેશ્વર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ તડવી, જીલ્લા પંચાયત સદસ્ય ડો.નિતેશ તડવી, ચંદ્રેશ પરમાર, વિરલ વસાવા, હરેશ તડવી, નીતિન વસાવા સહિત મોટી સંખ્યામાં યુવાનો નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પહોંચી સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.અને કેન્દ્ર સરકાર આ નિર્ણય પરત ખેંચે એવી માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ તથા કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે જેની જવાબદારી ભાજપ સરકાર તથા સરકારી તંત્રની રહેશે.કેન્દ્ર સરકારે ક્યાં પુરાવાઓના આધારે આ ઠરાવ કર્યો છે.આદિવાસીઓને જો સરકારી નોકરી જોઈતી હોય તો બાપ દાદાની પેઢીઓના પુરાવા માંગે છે.મોદીએ ગુજરાતમાં અને દિલ્હીના શાસનમાં આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે, આદીવાસીઓને ખતમ કરવાનું કૃત્ય કર્યું છે.જે આદિવાસીઓ ભાજપમાં છે એ લોકો આદિવાસીઓને ખતમ કરવાના કૃત્ય સામે અવાજ ઉઠાવી સાબિત કરે કે પોતે પક્ષના ગુલામ નથી.જો સરકાર આ નિર્ણય પરત નહિ ખેંચે તો આવનારા દિવસોમાં આદિવાસીઓ રોડ પર ઉતરી પડશે અને સરકારે ખરાબ પરિણામ ભોગવવું પડશે.
Advertisement