Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોના તાંડવ છતાં AMC ખાનગી હોસ્પિટલોમાં દર્દીનો ખર્ચ ઉપાડવા કેમ તૈયાર નથી

અમદાવાદમાં કોરોના તાંડવ છતાં AMC ખાનગી હોસ્પિટલોમાં દર્દીનો ખર્ચ ઉપાડવા કેમ તૈયાર નથી

0
64
  • કરોડોનો બજેટ છતાં સરકાર અને મ્યુનિસિપલની પાછીપાની સમજાતી નથી

  • કોરનાના પ્રથમ રાઉન્ડમાં 80થી વધુ ખાનગી હોસ્પિટલો કોવિડ ડેજીગ્નેટ કરાઇ હતી

  • રાજ્ય સરકારે મદદ કરવાની ના પાડતા AMCએ અમદાવાદીઓને સ્વ ખર્ચે સારવાર કરાવવા મજબૂર કરી દીધાં

લક્ષ્મી પટેલ, અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો આવ્યો છે, સ્થિતિ એટલી ગંભીર છે કે, સરકારી હોસ્પિટલમાં દાખલ થવાથી લઈ સમશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે સામાન્ય અમદાવાદીઓના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, AMCનું રૂ.8,051 કરોડનું બજેટ છતાં ખાનગી હોસ્પિટલના 50 ટકા બેડમાં દાખલ થતા દર્દીઓનો ખર્ચ ઉપાડવા કેમ તૈયાર નહીં ? અમદાવાદ શહેરનાના નાગરિકો 1 હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભરે છે. AMCને દર વર્ષે 600 કરોડની ચાર્જેબલ FSIની આવક છે અને કેન્દ્ર-રાજ્ય સરકાર કરોડોની સરકારની ગ્રાન્ટ છે છતાં AMC તંત્ર ખાનગી હોસ્પિટલ 50 ટકા બેડ રિર્જવ કરી તેનો ખર્ચ ઉપાડવામાં કેમ પાછી પાની કરી રહી છે ?

મ્યુનિ.ના સૂત્રો કહે છે કે, કોરોનાના પ્રથમ વેવમાં અમદાવાદની 80થી વધુ ખાનગી હોસ્પિટલને કોવિડ ડેજીગ્નેટ કરી 50 ટકા બેડનો ખર્ચ AMCએ ઉપાડ્યો હતો પછી રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલના બેડ રિર્જવ કરી તેના ખર્ચમાં મદદ કરવાની ના પાડી દીધી હતી. આ કારણથી AMCએ અમદાવાદીઓને ખાનગી હોસ્પિટલમાં સ્વ ખર્ચે કોરોનાની સારવાર કરાવવા મજબૂર કરી દીધાં છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવામાં આવી રહ્યાં છે પણ મોટાભાગના બેડ પ્રાઇવેટ છે. આ ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો તેવા કિસ્સા દર્દીએ પોતે ખર્ચ ઉપાડવાનો રહે છે. આ પહેલાના વેવમાં અમદાવાદ મ્યુનિ.એ 80થી વધુ ખાનગી હોસ્પિટલના 50 ટકા બેડ રિર્જવ કર્યા હતા. આ 50 ટકા બેડનો ખર્ચ મ્યુનિ. તંત્ર ખુદ ઉપાડતું હતું એટલે કે, દરેક ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. કવોટાના 50 ટકા બેડ હતા.

આ બેડ રિર્જવ કર્યા બાદ અહીં સામાન્ય દર્દી પણ દાખલ કરવામાં આવતા હતા. આ વ્યવસ્થા ખૂબ ફળદાયી નીવડી હતી. કોરોનાની પ્રથમ લહેર ઝડપથી કાબુમાં આવી હતી. જોકે, આ ખાનગી હોસ્પિટલના બેડ રિર્જવ કરવા પાછળ રૂ.400થી 500 કરોડનો ખર્ચ થયો હતો. સરકારે આ ખર્ચમાં મદદ કરવાની ના પાડી હતી. આ સંદર્ભમાં સરકારની સમયસર ગ્રાન્ટ ન મળતા મ્યુનિ. તંત્રમાં 500 કરોડના અન્ય કામોના બિલ અટવાઈ પડ્યા હતા.

આ વખતે કોરોનાની સ્થિતિ વધુ ભયાનક છે પણ અમદાવાદ મ્યુનિ. તંત્ર ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. કવોટાના 50 ટકા બેડ રિર્જવ કરવા તૈયાર નથી કારણ કે, સરકારે હવે આ પ્રકારે બેડ રિર્જવ કરી સારવાર પાછળ રૂપિયા ખર્ચ કરવાની ના પાડી છે કારણ એવું છે કે, ગઈ વખતની કોરોના વેવમાં ખાનગી હોસ્પિટલોને જે કરોડો રૂપિયાના બિલો ચૂકવાયા છે એમાં ગેરરીતિઓની વ્યાપક ફરિયાદો સામે આવી હતી. અવાસ્તવિક ખર્ચ મૂકી મ્યુનિ.ની તિજોરીને ચૂનો ચોપડ્યા અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. હવે જ્યારે કોરોનાની વિકટ સ્થિતિ છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં બેડ રિર્જવ ન થતા અમદાવાદીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat