Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારનું બજેટ આત્મનિર્ભર ભારતને સાકાર કરનારૂ લોકરંજક બજેટ છે : CM ભૂપેન્દ્ર પટેલ

PM નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારનું બજેટ આત્મનિર્ભર ભારતને સાકાર કરનારૂ લોકરંજક બજેટ છે : CM ભૂપેન્દ્ર પટેલ

0
7
  • આઝાદીના અમૃત પર્વ વર્ષનું આ બજેટ આગામી 25 વર્ષના અમૃતકાળમાં અર્થતંત્રને લઇ જવાનો પાયો નાખનારુ : મુખ્યમંત્રી
  • પી.એમ. ગતિશક્તિ –સર્વસમાવેશક વિકાસ –ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો એમ ચાર પ્રાથમિકતાના આધારે વિકાસ નકશો તૈયાર કરનારું સર્વસમાવેશક સર્વપોષક સર્વોપયોગી બજેટ છે
  • ટ્રસ્ટ બેઇઝ્ડ ગવર્નન્સ –ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના ગુજરાતે સાકાર કરી છે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 2022-23ના વર્ષના બજેટને આત્મનિર્ભર ભારતની નેમને સંપૂર્ણ સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે.

સર્વસમાવેશક અને સર્વપોષક આ બજેટ લોકરંજક બજેટ છે એવો સ્પષ્ટ મત તેમણે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને આવકારતાં વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોરોના મહામારી દરમ્યાન દેશના નાગરિકોને ફ્રી-વેક્સિન, જરૂરતમંદોને ફ્રી-રેશન, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વૃદ્ધિ જેવા આરોગ્ય વિષયક અનેક પગલાઓનો લાભ આપવા છતા કેન્દ્ર સરકારે આ બજેટ જનતા પર વધારાના એક પણ રૂપિયાના કરબોજા વગરનું રાખ્યું છે.

કોરોના મહામારીમાંથી સમગ્ર અર્થતંત્ર ઝડપથી બેઠું થાય તે માટે યુવાઓ, મહિલાઓ, ખેડૂત વર્ગો, વિદ્યાર્થીઓ, ધંધા-રોજગારકારો, એસ.સી., એસ.ટી., ગરીબ, ગ્રામિણ સૌના સર્વગ્રાહી વિકાસ અને ઉત્થાન માટેની પ્રતિબદ્ધતા વાળા આ બજેટ માટે મુખ્યમંએ પ્રધાનમંત્રી અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃતપર્વ વર્ષ 2022નું આ બજેટ અમૃત બજેટ આગામી 25 વર્ષના અમૃતકાળ પર અર્થતંત્રને લઇ જવાનો પાયો નાખનારુ બજેટ છે. ભારત આઝાદીના 75 થી 100 વર્ષ પૂર્ણ કરે ત્યા સુધીની બ્લ્યુ પ્રિંટ અને વિકાસનો રોડમેપ આ બજેટમાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ બજેટમાં ચાર પ્રાથમિકતાઓ – PM ગતિ શક્તિ, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે દેશ અને રાજ્યના વિકાસની ગતિને વેગ આપવાનો ધ્યેય આ બજેટમાં રાખવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યું છે અને હજુ પણ દેશમાં અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે.
મુખ્યમંત્રીએ સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શૃંખલાઓને મદદરૂપ થવા વન સ્ટેશન વન પ્રોડક્ટનો અભિગમ લોકપ્રિય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 80 લાખ આવાસોનું નિર્માણ આગામી એક વર્ષમાં થવાથી લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થશે. પી.એલ.આઇ. સ્કિમ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 60 લાખ યુવાનોને રોજગારીના અવસરથી આત્મનિર્ભર ભારત સાકાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, શિક્ષણ ક્ષેત્રે ડિજીટલ ક્રાંતિ માટે ડિજીટલ યુનિવર્સિટી સ્થાપવા સાથે પી.એમ. ઇ વિદ્યા અંતર્ગત એક વર્ગ એક ટીવી ચેનલથી તમામ રાજ્યોના ધોરણ ૧થી 12માં પ્રાદેશીક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપી શકાશે.

હાલમાં સહકારી મંડળીઓએ અલ્ટરનેટીવ મિનિમમ ટેક્સ 18.5 % ચુકવવો પડે છે તે હવે ઘટાડીને 15% કરવામાં આવ્યો છે તેમજ 1 થી 10 કરોડ સુધીની આવક ધરાવતી કો-ઓપરેટીવ સોસાયટીઝ પરનો સરચાર્જ 12%થી ઘટાડીને 7 % કરવામાં આવ્યો છે તે માટે પ્રધાનમંત્રી નરેંદ્રભાઇ અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઇનો મુખ્યમંત્રીએ હૃદયપૂર્વક આભાર માન્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પાકની આકારણી અને જમીન રેકોર્ડના ડિજીટાઇઝેશનમાં કિશાન ડ્રોન્સનો ઉપયોગ કરવાની પહેલને ગુજરાતમાં પણ અમલી કરીશું. આ બજેટમાં રસાયણમુક્ત-કેમિકલ ફ્રી પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો જે નિર્ધાર કરવામાં આવ્યો છે તેને ગુજરાતમાં સફળતાપૂર્વક પાર પાડવાની શરૂઆત થઈ ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, બાજરો, જુવાર જેવાં ધાન્યોના મૂલ્યવર્ધન માટે સહાયની બાબતથી રાજ્યના આદિજાતી પટ્ટાના ખેડૂતોને લાભ થશે.
બેટરી સ્વેપિંગ પોલિસી અંતર્ગત શહેરી વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રીક વ્હિકલને પ્રોત્સાહન મળશે. ગુજરાતે પોતાની ઇ-વિહિકલ પોલિસી સાથે આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની નેમ રાખી છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટ્રસ્ટ બેઇઝ્ડ ગવર્નન્સ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના ગુજરાતે સાકાર કરેલી છે. આ બજેટમાં ગુજરાતના ગિફ્ટ સિટી સંદર્ભમાં પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ફિનટેક, ટેકનોલોજી, મેથેમેટિક્સ વિગેરે માટે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થપાશે. ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર પણ ગીફ્ટ સિટી ખાતે શરૂ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, સુરતના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગકારોને રાહત આપતા આ બજેટમાં પોલિશ્ડ ડાયમંડ અને જેમ્સ સ્ટોન પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 % કરવામાં આવી છે તે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને બળ આપશે.

આમ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ બજેટ સર્વસમાવેશક અને સર્વપોષક બજેટ છે, તેમ તેમણે જણાવ્યું છે. આવા લોકહિત અને વિકાસલક્ષી બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાતની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat