નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં રાજકીય વિવાદ ચાલુ છે. આ વચ્ચે કોંગ્રેસ હાઇકમાને રાજ્યમાં વધુ એક બદલાવની તૈયારી કરી લીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને પંજાબના પ્રદેશ પ્રભારી પદેથી હટાવવામાં આવી શકે છે, તેમની જગ્યાએ હરીશ ચૌધરીને આ જવાબદારી સોપવામાં આવી શકે છે.
પંજાબમાં 15 દિવસથી એક પછી એક મોટા પરિવર્તન થઇ રહ્યા છે. અહી પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ. તે બાદ ચરણજીત સિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ વચ્ચે પંજાબ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ પણ રાજીનામુ આપી દીધુ હતુ. પંજાબના પ્રભારી રહેતા રાવત આ મુદ્દાને હલ કરવામાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.
હરીશ રાવતના નિવેદન પર થયો હતો વિવાદ
અમરિંદર સિંહના રાજીનામા બાદ હરીશ રાવતે સિદ્ધૂને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો ગણાવ્યો હતો. રાવતે કહ્યુ હતુ, ચરણજીત સિંહ ચન્નીને લઇને પાર્ટીએ પહેલા જ મન બનાવ્યુ હતુ. આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો કોણ હશે, આ કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરશે. વર્તમાન સ્થિતિને જોઇએ તો આ વખતે ચૂંટણી પંજાબ સરકારની કેબિનેટ અને પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂની આગેવાનીમાં લડાશે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ ગાંધીજી અને લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
રાવતના આ નિવેદન પર કોંગ્રેસના સીનિયર નેતા સુનીલ જાખડે આપત્તિ વ્યક્ત કરી હતી, તેમણે કહ્યુ હતુ કે ચરણજીત સિંહ ચન્નીના શપથના દિવસે હરીશ રાવત દ્વારા આપવામાં આવેલુ નિવેદન ચોકાવનારૂ છે. આ મુખ્યમંત્રીની તાકાતને નબળી કરે છે અને સાથે જ આ કોઇની પસંદગી પર સવાલ ઉભા કરે છે.
બીજી તરફ પંજાબથી આવતા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ સીધા રાવતના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા હતા. મનીષ તિવારીએ કહ્યુ હતુ કે જે લોકોને પંજાબની જવાબદારી સોપવામાં આવી છે, તે ત્યાની કોઇ ખબર જ નથી.