વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણીનો માહોલ હાલ જામ્યો છે. ગુજરાતની વિવિધ બેઠક પર ભાજપ માંથી જ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારાઓએ ભાજપની નાકમાં દમ કર્યો છે.જો કે ભાજપે એવા બળવાખોરોને સસ્પેન્ડ પણ કર્યા છે તે છતાં તેઓમાં કોઈ ગભરાહટ દેખાતી નથી ઉપરથી ભાજપમાં ચિંતાના વાદળો છવાયા છે.આજે વાત કરીએ ભાજપ માંથી બળવો કરી નર્મદા જીલ્લાની 148 નાંદોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવાની. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડે એના આગલા દિવસે એટલે કે 28 મી તારીખે અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાએ જંગી રેલી સ્વરૂપે જાહેરસભા સંબોધતા ભાજપમાં ચિંતામાં વધારો થયો છે.
રાજપીપળાના દોલત બજાર ખાતે જાહેરસભાને સમોધતા હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે મારી પાસે સત્તા ન્હોતી ત્યારે પણ અને સત્તા હતી ત્યારે પણ મારી આ ટીમ મારી પડખે રહી છે.રણભૂમિમાં અમે યુધ્ધનું રણશિંગુ ફૂકી દીધું છે અમારો વિજય નિશ્ચિત છે.આજની આ રેલી જોઈને થ્રી ફેઝ લાઈનો સિંગલ ફેઝમાં આવી ગઈ છે.અમે પૈસા કમાવવા માટે નથી આવ્યા. મારા સમયમાં 70 ટકા ગામોના રસ્તા મે બનાવ્યા છે, પીવાના પાણીની સમસ્યા પણ હલ કરી છે.5 કીમી ના અંતરે 1-1 સ્કૂલો ખોલવાની સરકાર પાસે મંજૂરી માંગી છે. હેંડ પંપ આખા ગુજરાતમાં નર્મદા જિલ્લામાં મારા પ્રયાસોથી જ ચાલુ થયા હતા.2007 ની વિધાનસભા ચૂંટણીમાં જે મને હરાવવા અપક્ષમાં ઊભા હતા એ જ આજે ભાજપના ઉમેદવાર છે.2007 માં મારી વિરૂદ્ધ આભ ફાટ્યું હતું પણ મે કોઈ જગ્યાએ થીંગડું માર્યું નથી.જે લોકોએ ખોટું કર્યું છે એમને કુદરત માફ નહિ કરે, 90 ટકા ભાજપના લોકો મારી સાથે છે.મે ક્યારેય આગ લગાવવાનું નહિ આગ બુઝાવવાનું જ કામ કર્યું છે.
હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં જે લોકો ભાજપમાં ફરે છે એ લોકો મને કહે છે હર્ષદભાઇ હૃદય તમારી સાથે છે ફકત તન ભાજપમાં છે. આ રેલીમાં અમે શેરડી કાપતા ભાડૂતીઓને નથી લાવ્યા, સ્વયંભૂ લોકો આવ્યા છે, જનતા મારા હ્રદય માં બેઠી છે.હું બોલું ઓછું અને કામ વધારે કરું છું.સસ્પેન્ડ કરવાથી કશું નહિ થાય, તમારો કોઈ મેળ પડશે નહિ. આપણી પાસે વોટ છે અને એમની પાસે નોટ છે, તમારે નોટ લઈ લેવાની પણ વોટ તો મને જ આપવાનો, એ નોટનો ઉપયોગ આધ્યાત્મિક કાર્યમાં અથવા સારા કાર્યમાં કરજો.એક ચા વાળા ગુજરાત માંથી દિલ્હી લઈ ગયા તો બીજા ચા વાળાને ગાંધીનગર મોકલજો. જો હું જીતીશ અને સરકાર બનાવવામાં મારી જરૂર ઊભી થશે તો હું જનતાને અને મારી ટીમને પુછી નિર્ણય લઈશ, મારી ટીમ મને વિપક્ષમાં બેસવા કેહશે તો હું વિપક્ષમાં અને સરકારનો ભાગ બનવાનું કહેશે તો એવું કરીશ.મારી ટીમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં કરું.