T-20 વલ્ડ કપની આજે ભારત અને ન્યઝિલેન્ડની મેચમાં ભારતની સતત બીજી શરમજનક હાર થઈ છે. ભારતે 20 ઓવરમાં 110 રન જ બનાવ્યા હતા જે સામે ન્યઝિલેન્ડ આસાનીથી ચેઝ કરી ગઈ હતી. જો કે, ઈશ સોઢીએ ભારત સામે 17 રન આપી 4 વિકેટ ઝડપી લીધી હતી. સોઢીએ વિરાટ અને રોહિત શર્માને આઉટ કરી બાજી ફેરવી દીધી હતી.
આજે સોઢી માટે રવિવાર ખૂબ જ ખાસ છે. ઈશ સોઢીએ પોતાના જન્મદિવસ પર શાનદાર બોલિંગ કરી છે. ઈશ સોઢી ભારતીય મૂળનો ખેલાડી છે જેનો જન્મ 31 ઓક્ટોબરે લુધિયાણામાં થયો હતો. તેનો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને ત્યાર બાદ તે કિવી ટીમનો હિસ્સો બન્યો હતો.
ઈશ સોઢીએ ભારત સામે શાનદાર બોલિંગ કરીને કેટલીક સિદ્ધિઓ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલીના આઉટ થતા જ ઈશ સોઢીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે વિશ્વનો એકમાત્ર એવો બોલર છે, જેણે T20માં 3 વખત વિરાટ કોહલીને આઉટ કર્યો છે. વિરાટ કોહલીએ આ બોલર સામે 7 ઇનિંગ્સમાં માત્ર 42 રન જ બનાવ્યા છે. સોઢી સામે તેની એવરેજ માત્ર 14 ની છે.
સોઢી વિશ્વનો એકમાત્ર એવો સ્પિનર છે, જેણે એક જ T20 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યો છે. તેની પહેલા ત્રણ ફાસ્ટ બોલર આ કારનામું કરી ચુક્યા છે. જેસન બેહરેનડોર્ફ, જુનિયર ડાલા, ટિમ સાઉથીએ એક જ T20 મેચમાં રોહિત-વિરાટને આઉટ કર્યા છે. દુબઈમાં ઈશ સોઢીએ જે પ્રકારની બોલિંગ કરી તેણે ખરેખર ભારતીય ચાહકોને રડાવી દીધી.