ગુજરાતના ઠગ કિરણ પટેલનો પર્દાફાશ થતાં જ તેની પત્ની તેના બચાવમાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે દેશ માટે કામ કરતા તેના પતિને ફસાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલામાં તેમના પત્ની ડો.માલિની પટેલ પણ સામેલ હોવાની શંકા છે. હાલ તો તપાસ એજન્સીઓ કિરણ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ અને અન્ય બાબતોની પણ તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે.
Advertisement
Advertisement
ઠગ કિરણ પટેલની ધરપકડનો મામલો સામે આવતા જ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપા પર નિશાન સાધતા કહ્યું કે આ વ્યક્તિનું નામ કિરણ ભાઈ પટેલ છે, તે ભાજપાનો સભ્ય છે અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે તેની તસવીર છે. સુરક્ષા એજન્સીઓ તો વિપક્ષના નેતાઓની પાછળ જ પડી ગઈ છે. પરંતુ, આ ખૂબ જ ગંભીર બાબત છે.
એટલું જ નહીં, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આગળ કહ્યું કે દેશની સરકાર અને સુરક્ષા એજન્સીઓએ વિચારવું જોઈએ કે ગુજરાતની એક વ્યક્તિ કેવી રીતે PMOનો સ્પેશિયલ સેક્રેટરી બનીને 4 મહિના સુધી જમ્મુ-કાશ્મીરમાં રહે છે. સેનાની છેલ્લી પોસ્ટ પર જાય છે. તમામ જરૂરી માહિતી લે છે. સુરક્ષા વ્યવસ્થામાં આ એક મોટી ક્ષતિ છે.
કોણ છે કિરણ પટેલ ?
ઠગ કિરણ પટેલ અંગે ખાસ તો કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ, તેના ટ્વિટર પ્રોફાઈલથી જાણવા મળે છે કે તેણે કોમનવેલ્થ યુનિવર્સિટી, વર્જિનિયાથી પીએચડી કર્યું છે. તે સાથે જ તેણે આઈઆઈએમ ત્રિચીથી એમબીએ કર્યું હોવાનું પોતાની પ્રોફાઈલમાં લખ્યું છે. આ ઉપરાંત પોતે MTech હોવાનું અને BE Computer કર્યું હોવાનું પણ કિરણ પટેલે જણાવ્યું છે. સાથે જ તેણે દાવો કર્યો હતો કે તે કેમ્પેઈન મેનેજર, એનાલિસ્ટ અને સ્ટ્રેટેજિસ્ટ છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે જમ્મુ – કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. તેની સાથે CRPF જવાન પણ જોવા મળ્યા હતા.
Advertisement