દિલ્હી: લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. ગુરુવારે આ બિલને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો ન હતો. રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરીથી આ બિલ ‘નારી શક્તિ વંદન કાયદો’ બની જશે.
Advertisement
Advertisement
લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ મહિલા સાંસદોએ અનોખી રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ સંસદમાં હાજર તમામ મહિલા સાંસદોએ સંસદના ગેટ પર ઉભા રહીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને વિશેષ સન્માન આપ્યું હતું. મહિલા સાંસદોએ વડાપ્રધાનનું પુષ્પગુચ્છ અને શાલ આપીને સન્માન કર્યું હતું. આ દરમિયાન સાંસદ મીનાક્ષી લેખી પણ ત્યાં હાજર હતા. આ ઉપરાંત, અન્ય મહિલા સાંસદોએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. પીએમ મોદી સંસદના ગેટ પર પહોંચતા જ ઘણી મહિલા સાંસદો હાથમાં મીઠાઈના બોક્સ અને ફૂલોના બુકે લઈને ત્યાં હાજર હતી. પીએમ મોદીએ પણ હાથ જોડીને બધાનું અભિવાદન સ્વીકાર્યું હતું.
સંસદના બંને ગૃહો દ્વારા મહિલા અનામત બિલ પાસ થવા પર પીએમ મોદી અને તમામ મહિલા સાંસદોએ ખુશી વ્યક્ત કરી હતી. સૌએ આ બિલને વિજય ચિન્હ સાથે આવકાર્યું. રાજ્યસભામાં વોટિંગ કરતા પહેલાં પીએમ મોદીએ કહ્યું કે આ બિલ માત્ર મહિલા શક્તિને વિશેષ સન્માન નથી આપી રહ્યું પરંતુ બિલને લઈને તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી નારીશક્તિને નવી ઉર્જા આપશે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને સાંસદોનો આભાર માન્યો
લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની એક ઐતિહાસિક ક્ષણ ! 140 કરોડ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન! નારી શક્તિ વંદન અધિનિયમ સંબંધિત બિલ માટે મતદાન કરવા બદલ રાજ્યસભાના તમામ સાંસદોનો હૃદયપૂર્વક આભાર, સર્વસંમતિથી બિલનું પસાર થવું ખૂબ જ ઉત્સાહિત કરનારું છે. આ વિધેયક પસાર થતાં મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે અને તેમના સશક્તિકરણનો નવો યુગ શરૂ થશે. આ માત્ર એક કાયદો નથી, પરંતુ તેના દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય ભૂમિકા ભજવનારી દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓને તેમનો અધિકાર મળ્યો છે. આ ઐતિહાસિક પગલાથી કરોડો મહિલાઓનો અવાજ બુલંદ થશે અને તેમની શક્તિ, સાહસ અને સામર્થ્યને નવી ઓળખ મળશે.
Advertisement