દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્રક ડ્રાઈવર અને મિકેનિક બાદ હવે કુલીઓ સાથે મુલાકાત કરી છે. તેઓ દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને કુલીઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કુલીઓ સાથે વાતચીત કરી હતી અને તેમનો યુનિફોર્મ પહેરીને સામાન પણ ઉપાડ્યો હતો.તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રેલવે સ્ટેશનના કુલીઓએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Advertisement
Advertisement
કોંગ્રેસે કહ્યું ભારત જોડો યાત્રા ચાલુ છે…
કોંગ્રેસે તેને રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ સાથે સાંકળી દીધી છે. કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી રાહુલ ગાંધીની કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું કે, “રાહુલ ગાંધી આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર તેમના કુલી સાથીઓને મળ્યા હતા. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રેલવે સ્ટેશનના કુલી સાથીઓએ તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે રાહુલ ગાંધી તેમની વચ્ચે પહોંચ્યા અને શાંતિપૂર્વક તેમની વાતો સાંભળી, ભારત જોડો યાત્રા ચાલુ છે…”
આ પહેલા ટ્રક ડ્રાઈવર અને મિકેનિકને મળ્યા હતા
આ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે પર એક ટ્રક ડ્રાઈવર સાથે તેમની મુસાફરી અને વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પછી તેમણે કરોલ બાગમાં બાઇક માર્કેટની મુલાકાત લીધી અને ઘણાં મિકેનિકો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં, તેમણે તાજેતરમાં જ દિલ્હીના શાક માર્કેટની પણ મુલાકાત લીધી હતી અને શાકભાજી વિક્રેતાઓ સાથે વાતચીત કરી હતી. તેઓ જ્યારે શાકમાર્કેટ ગયા હતા તે સમયે ટામેટાંના ભાવ આસમાને પહોંચેલા હતા.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. ભારત જોડો યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થઈને 136 દિવસ બાદ 30 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. કોંગ્રેસ હવે ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે. તે અંતર્ગત રાહુલ ગાંધી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપરાંત છત્તીસગઢ અને હરિયાણાની યાત્રા કરશે. ભારત જોડો યાત્રા ભાગ-2 લગભગ 3400 થી 3600 કિલોમીટરની હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
Advertisement