વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ગેહલોત પર સીધો પ્રહાર કરતા કહ્યું કે 5 વર્ષમાં કોંગ્રેસની સરકારે રાજસ્થાનની પ્રતિષ્ઠા ખતમ કરી નાખી છે. હું ખૂબ જ દુઃખી મન સાથે કહું છું કે જ્યારે ગુના, રમખાણો, મહિલાઓ – દલિતો પર અત્યાચારની વાત આવે છે તો રાજસ્થાન તેમાં ટોચ પર આવે છે. ખૂબ જ દુખ સાથે હું તમને પૂછું છું કે, શું તમે પાંચ વર્ષ પહેલા રાજસ્થાન માટે આ માટે મત આપ્યો હતો ?
Advertisement
Advertisement
અડધી કોંગ્રેસ મુખ્યમંત્રીની ખુરશી ઉથલાવવામાં વ્યસ્ત
આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે અહીં અશોક ગેહલોત સૂતી વખતે મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં વ્યસ્ત હતા અને અડધી કોંગ્રેસ તેમની ખુરશી ઉથલાવવામાં વ્યસ્ત હતી. પ્રજાને પોતાની હાલત પર છોડીને આ લોકો એકબીજા સાથે લડાઈમાં વ્યસ્ત રહ્યા, કોંગ્રેસે રાજસ્થાનને લૂંટવામાં કોઈ કસર બાકી રાખી નથી. રાજસ્થાનના યુવાનો સાથે જે વિશ્વાસઘાત થયો છે તેના મૂળ સુધી ભાજપ પહોંચશે. પેપર લીક માફિયાઓનો નરકમાં જઈને પણ હિસાબ કરવામાં આવશે. હું તમને ખાતરી આપું છું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા પેપર લીક માફિયાઓને બક્ષવામાં આવશે નહીં અને તેમને કડક સજા કરાવવામાં આવશે.
પીએમ મોદીએ સીએમ ગેહલોતનો આભાર માન્યો
આ પ્રસંગે પીએમ મોદીએ રાજસ્થાનની વર્તમાન સરકાર અને સીએમ પર પ્રહારો કરતાં વધુમાં કહ્યું કે સીએમ અશોક ગેહલોત જાણે છે કે કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગેહલોતજીને પોતાને વિશ્વાસ છે કે તેઓ જઈ રહ્યા છે અને તેથી જતાં પહેલા તેમણે ભાજપને અભિનંદન આપી દીધાં છે. તેમની વિનંતી છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમની યોજનાઓ બંધ ન કરવામાં આવે. રાજસ્થાનમાં ભાજપ સત્તામાં આવશે તે જાહેરમાં સ્વીકારવા બદલ હું ગેહલોત જીનો આભાર માનું છું.
Advertisement