દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ સતત મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. દરમિયાન ગઈકાલે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તે બાદ તેમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે રાજકારણ ગરમાયું છે.
Advertisement
Advertisement
સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દેશના વડાપ્રધાન ગૃહમાં આવીને મણિપુરમાં થયેલી હિંસાનો જવાબ કેમ આપતા નથી. એક કારગિલ યોદ્ધાની પત્નીને નિર્વસ્ત્ર કરીને તેની પરેડ કરાવવામાં આવી. 140 કરોડ ભારતના લોકોનું માથું શરમથી ઝૂકી ગયું છે. પરંતુ વડાપ્રધાન ગૃહમાં આવીને જવાબ આપવા તૈયાર નથી.
બીજી તરફ આ મામલાને લઈને કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે જ્યારે તેઓ વડાપ્રધાન તરીકે આવ્યા ત્યારે તેમણે નાટક કર્યું હતું. તેમણે આ લોકશાહીના મંદિર પર બંધારણ સાથે દગો કર્યો હતો. છેલ્લાં નવ વર્ષથી તેમણે લોકતાંત્રિક અને સંસદીય પરંપરાઓને તિલાંજલિ આપી દીધી છે. મણિપુર અઢી મહિનાથી સળગી રહ્યું છે, વડાપ્રધાને ગૃહમાં બોલવું જોઈએ. તેમણે તેની રાજનીતિ કરી. મણિપુર જેવી સ્થિતિ કયા રાજ્યમાં છે કે તેમણે જેને રાજસ્થાન અને છત્તીસગઢ સાથે જોડી દીધાં ? જો તેમણે (સંજય સિંહ) ગૃહની મધ્યમાં આવીને કંઈક બોલ્યા તો તેમણે એવો કયો ગુનો કર્યો કે તેમને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ? અમે આ બાબતની નિંદા કરીએ છીએ.
સાંસદ સંજય સિંહના સસ્પેન્શન પર મોદી સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોઈ વિરોધ કરી રહ્યું હોય તેવું આ પહેલીવખતનું નથી. સંસદમાં બધા લોકો વિરોધ કરે છે. લોકશાહીમાં બોલવાની સ્વતંત્રતા હોય છે, જે સંસદમાં બોલવા આવે છે તેમને તક મળવી જોઈએ. આજે સરકારનો ઇરાદો એક યા બીજી રીતે અવાજને બંધ કરવાનો છે. ગઈ વખતે પણ તેમણે આવું જ કર્યું હતું.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આ મામલે કહ્યું કે સંજય સિંહનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ. સસ્પેન્શન શા માટે કરવામાં આવ્યું ? અમે અધ્યક્ષનું ધ્યાન વારંવાર મણિપુર તરફ દોરતા હતા. પરંતુ તેઓ સાંભળવા તૈયાર ન હતા. તેથી તેમની સમક્ષ જઈને બોલવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. વડાપ્રધાનને ચર્ચા માટે આવવામાં શું વાંધો છે? તેઓ આવશે તો તેમની મોટાઈમાં વધારો થશે.
Advertisement