દિલ્હીઃ આજથી સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવન ખાતે થશે. વિશેષ સત્ર માટે સરકારે મહત્વની તૈયારીઓ કરી છે. બીજી તરફ વિપક્ષે ગૃહમાં મોદી સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. તે કારણે આ પાંચ દિવસનું સત્ર તોફાની બને તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા થશે
અહેવાલો અનુસાર, પાંચ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બુલેટિન અનુસાર, પ્રથમ દિવસે સંસદીય સફરની 75 વર્ષની સિદ્ધિઓ, અનુભવો અને સ્મૃતિઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે પાંચ દિવસના સત્રમાં પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ્સ બિલ પણ રજૂ કરવામાં આવશે.
વિશેષ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે
જાણકારી અનુસાર, સરકાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લાં ત્રણ દિવસમાં જ ગૃહમાં આ બિલને રજૂ કરશે. ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભામાં તેના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે અમારો એજન્ડા જણાવી દીધો છે. આજે બંધારણ સભાથી લઈને આજ સુધીના 75 વર્ષના આપણા અનુભવો, સ્મૃતિઓ અને શીખેલા પાઠ વિશે ચર્ચા છે, કારણ કે આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. આપણે દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ તેની ચર્ચા થવી જોઈએ.
વિપક્ષે નિશાન સાધ્યું
સંસદના વિશેષ સત્ર અંગે કોંગ્રેસના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આપણી સંસદીય પરંપરા અને કાર્યપદ્ધતિમાં કહેવાયું છે કે ખરડાનો ડ્રાફ્ટ અને સરકારી કામકાજ સભ્યોને બતાવવામાં આવવું જોઈએ… જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવે ત્યારે સભ્યોને કામકાજ અંગેની માહિતી પહેલેથી આપવી જોઈએ…આ પ્રથમ વખત છે કે આ સત્રમાં કોઈ પ્રશ્નકાળ અથવા શૂન્યકાળ હશે નહીં.
સંસદના વિશેષ સત્ર પર મીડિયા સાથે વાતચીત કરતાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવ મુદ્દા જણાવતો પત્ર લખ્યો હતો પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.
Advertisement