સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન પાછળ નકામો ખર્ચ અથવા નાણાંકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, સીબીઆઈએ દિલ્હી સરકારના પીડબલ્યુડી વિભાગને સીએમ હાઉસના નવીનીકરણ સંબંધિત તમામ દસ્તાવેજો 3 ઓક્ટોબર સુધીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આવાસ પર લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
આ વર્ષે મે મહિનામાં દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયે દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાન મામલે થયેલા કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ મામલામાં ગૃહ મંત્રાલયે પહેલેથી જ કેગ દ્વારા વિશેષ ઓડિટનો આદેશ આપ્યો છે.
સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રીના નવા નિવાસસ્થાનના બાંધકામ અને ‘રિનોવેશન’માં કથિત ગેરરીતિઓની તપાસ શરૂ કરી છે. આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓ તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ દિલ્હીની 2 કરોડની જનતાના આશીર્વાદ અરવિંદ કેજરીવાલ સાથે છે. આ તપાસમાં કંઈ જ બહાર આવશે નહીં. ભાજપ ગમે તેટલી તપાસ કરાવે, અરવિંદ કેજરીવાલ સામાન્ય માણસના હિત માટે લડતા રહેશે.
કોંગ્રેસે પણ કેજરીવાલની ટીકા કરતા કહ્યું કે તેમના સત્તાવાર નિવાસસ્થાન પાછળ ખર્ચ કરવામાં આવેલી રકમ 45 કરોડ રૂપિયા નહીં પરંતુ 171 કરોડ રૂપિયા છે. દરમિયાન, દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે સીએમ અરવિંદ કેજરીવાલના આલીશાન મહેલમાં સીબીઆઈ તપાસ શરૂ થઈ તેનું સ્વાગત કર્યું છે.
દિલ્હી ભાજપે પણ દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાછળ થયેલા ખર્ચ અંગે અનેક આરોપો લગાવ્યા છે. ભાજપ અનુસાર, અરવિંદ કેજરીવાલે કોરોના દરમિયાન પોતાના ઘર અને ઓફિસ પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જે તેમની અસંવેદનશીલતા દર્શાવે છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કેજરીવાલના ઘર માટે ખરીદવામાં આવેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રૂપિયા છે, જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રૂપિયા છે. તેમણે વધુમાં કહ્યું કે વિયેતનામથી રૂ. 1.15 કરોડનો માર્બલ મંગાવવામાં આવ્યો હતો. પ્રિફેબ્રિકેટેડ લાકડાની દીવાલો પાછળ ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
Advertisement