કોચ્ચી: કેરળના વિઝિંજમ વિસ્તારમાં અદાણી પોર્ટ પરિયોજના વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ કેસમાં 3 હજાર કરતા વધુ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રમખાણ અને ગુનાહિત ષડયંત્રના આરોપ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવા અને પોલીસ કર્મીઓને ઘાયલ કરવાના આરોપમાં મહિલા અને બાળકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છએ. આ હિંસામાં 40થી વધારે પોલીસ કર્મી અને કેટલાક સ્થાનિક લોકો ઘાયલ થયા હતા.
પોલીસે કહ્યુ કે 3 હજાર લોકો વિઝિંજમ પોલીસ સ્ટેશનમાં શનિવારે નોંધાયેલા કેસ મામલે એક આરોપી અને અટકાયતમાં રહેલા અન્ય શંકાસ્પદ લિયો સ્ટેનલી, મુથપ્પન, પુષ્પરાજ અને શૈકીને છોડવાની માંગને લઇને ભેગા થયા હતા.
ફરિયાદમાં કહેવામાં આવ્યુ, ભીડ લોખંડની લાકડી, ડંડા, પથ્થર અને ઇંટ સાથે સાંજે આશરે 6 વાગ્યે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસને બંધક બનાવી દીધી હતી, તેમણે ધમકી આપી હતી કે જો આરોપીઓને છોડવામાં નહી આવે તો તે પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દેશે. પોલીસ વાહનોને નુકસાન પહોચાડ્યુ અને પોલીસ સ્ટેશનની અંદર કાર્યાલયના ઉપકરણોને પણ નષ્ટ કરી નાખ્યા હતા. આ હુમલામાં 85 લાખ રૂપિયાનું નુકસાન થયુ હતુ.
આઇપીસીની કલમ 143 (ગેરકાયદેસર સભા), 147 (રમખાણ), 120-બી (ગુનાહિત ષડયંત્ર), 447 (ગુનાહિત અપરાધ) અને 353 (લોક સેવક પર હુમલો) સહિત વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તિરૂવનંતપુરમ શહેરના પોલીસ કમિશનરે મીડિયાને કહ્યુ કે પોલીસ સ્ટેશન પર હુમલાને યોગ્ય નથી ઠેરવી શકાતો. કમિશનરે કહ્યુ, અમે પહેલા જ પુરતા પોલીસ કર્મીઓને તૈનાત કરી દીધા હતા.