વિશાલ મિસ્ત્રી રાજપીપલા: કેવડીયા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુક્યાં હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. વડાપ્રધાને તકતી અનાવરણ દ્વારા મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરી તેને નિહાળી નિર્માણ પામેલ આ બંને સ્થળોની વિગતવાર જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ ગોરા નર્મદા ઘાટ નર્મદા મહાઆરતીમાં ભાગ લીધો હતો સાથે સાથે તેઓ નર્મદા ડેમ ખાતે પણ પહોંચ્યા હતા.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 31મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે.પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં શાનદાર અને ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દિશા નિર્દેશમાં ફક્ત 8 મહિનાના ટુંકા ગાળામાં એકતાનગર ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે.3 એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ 2100 મીટરનો પથવે ધરાવે છે.કેવડિયા ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે.આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે.
આ ભુલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ 1,80,000 છોડ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), મધુકામિની, ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે.આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ મિયાવાકી વન એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે.આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2 થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.એકતાનગર ખાતે 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે.જેમાં જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવી છે.એકતા નગર ખાતે નિર્માણ પામેલા આ બે પ્રવાસન આકર્ષણોના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, એસ.એસ.એન.એલ.ના એમ.ડી જે.પી.ગુપ્તા, મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એકતા નગર ખાતેની પરેડના પહેલીવારના આકર્ષણો
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો : ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર ૨૪ યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાનાર છે. જેમાં સૂર્યકિરણ ટીમના વિશ્વપ્રસિધ્ધ અને અતિ કુશળ વિમાન ચાલકો આકાશમાં રોમાંચક અને દિલધડક હવાઇ કરતબોનું નિદર્શન કરશે તે સમયે આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ જશે. નર્મદા જિલ્લા માટે આ નજરાણું પ્રથમવાર માણવા મળશે.પરેડ મેદાનમાં જોવા મળશે રણનું જહાજ ઊંટ : ભારતીય સીમા સુરક્ષા દળ દેશની રેતાળ સરહદે સીમા રક્ષાની કપરી ફરજ બજાવે છે. તેમાં જવાનોની સાથે રણનું જહાજ ગણાતા ઊંટ બેડાની પણ ખૂબ જ અગત્યની ભૂમિકા છે.આ બેડાના શ્રેષ્ઠ અને કેળવાયેલા ઊંટો પહેલી જ વાર એકતા દિવસ પરેડમાં સહભાગી બનશે.
Advertisement