સંસદમાં પીએમ મોદીએ યુનાઈટેડ આંધ્ર પ્રદેશના વિભાજન પર આપેલા નિવેદન બાદ તેલંગાણામાં ઠેર ઠેર ભારે દેખાવો થઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસની સરકારના સમયે આંધ પ્રદેશનુ વિભાજન ખોટી રીતે થયુ હતુ.
એ પછી તેલંગાણામાં સત્તાધારી ટીઆરએસ પાર્ટીએ રાજ્યવ્યાપી દેખાવો શરુ કર્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ રસ્તા પર ઉતર્યા છે. હૈદરાબાદમાં ટીઆરએસના કાર્યકરોએ પીએમ મોદીના પૂતળાને આગ ચાંપી હતી
એક સ્થળે ટીઆરએસના નેતાઓ અને કાર્યકરોએ બાઈક રેલી કાઢી હતી અને આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે તેમની અથડામણ થઈ હતી .
તેલંગાણાના ગૃહ મંત્રી મહેમૂદ અલીએ પણ હૈદ્રાબાદમાં પીએમ મોદીના પૂતળુ સળગાવવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.તેમણે કહ્યુ હતુ કે, જ્યારે તેલંગાણા બન્યુ ત્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા અને તેમને આ અંગે કશી ખબર નથી. તેલંગાણા માટે 1200 લોકોએ પોતાના જીવ આપ્યા છે. ભાજપ હમેશા તેલંગાણાની વિરોધી રહી છે. અન્ય એક મંત્રીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ તેલંગાણાના લોકોની માફી માંગવી જોઈએ.