Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીએ એક વખત ફરીથી રાજકારણમાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો

PM મોદીએ એક વખત ફરીથી રાજકારણમાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો

0
1

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ શુક્રવારે બંધારણ દિવસની ઊજવણી થઈ રહી છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રાજકારણમાં પરિવારવાદ’ના મુદ્દે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી હતી અને લાલુ યાદવનું નામ લીધા વિના ભ્રષ્ટાચારના મુદ્દે બધા પક્ષોને ઘેર્યા હતા. બીજીબાજુ કોંગ્રેસ અને તૃણમૂલ સહિત 15 પક્ષોએ બંધારણ દિવસની કેન્દ્ર સરકારની ઊજવણીનો વિરોધ કરતાં આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભાજપે તેને બાબા સાહેબ આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, રાજકીય પક્ષો પોતાનામાં જ લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી દે ત્યારે બંધારણની ભાવનાને પણ ઠેસ વાગે છે અને બંધારણની દરેક કલમને પણ ઠેસ પહોંચે છે. જે પક્ષો પોતે જ લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે, તે લોકતંત્રનું રક્ષણ કેવી રીતે કરી શકે છે તેવો તેમણે સવાલ કર્યો હતો. વડાપ્રધાને રાજકારણમાં પરિવારવાદ પર ટકી રહેલા કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, ભારત એક એવા સંકટ તરફ આગળ વધી રહ્યું છે, જે બંધારણને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે. લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારા લોકો માટે પણ પારિવારિક પક્ષો ચિંતાનો વિષય છે.

જોકે, વડાપ્રધાને યોગ્યતાના આધારે એક જ પરિવારના અનેક લોકોના રાજકારણમાં આવવાને ખોટું માન્યું નથી. તેમણે કહ્યું કે યોગ્યતાના આધારે એક જ પરિવારમાંથી એકથી વધુ લોકો આવે, તેનાથી પક્ષ પરિવારવાદી નથી બની જતો. પરંતુ એક પક્ષ પેઢી દર પેઢી રાજકારણમાં છે. અને તેનો આધાર માત્ર ચોક્કસ પરિવાર સાથેનો તેમનો સંબંધ છે.

તેમણે ઉમેર્યું કે, બંધારણ દિને બંધારણ નિર્માતા બાબા સાહેબ આંબેડકર જેવા સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનનું સ્મરણ ના કરવું અને તેમના પ્રત્યે ‘વિરોધનો ભાવ’ આ દેશ સ્વીકારશે નહીં. બંધારણની ભાવનાઓને ઠેસ પહોંચાડતી ઘટનાઓની અવગણના કરી શકાય નહીં. તેથી પ્રત્યેક વર્ષે બંધારણ દિવસ ઉજવીને રાજકીય પક્ષોએ તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. દેશ સ્વતંત્ર થયા પછી, 26મી જાન્યુઆરી 1950 પછી દેશમાં બંધારણ દિવસની ઊજવણી શરૂ થઈ હોત તો સારું થાત. પરંતુ તેમ થયું નહીં. 2015માં બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી નિમિત્તે અમે બંધારણ દિવસ ઊજવવાની દરખાસ્ત કરી ત્યારે આ જ પક્ષોએ તેનો પણ વિરોધ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat