નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો હતો કે કોવિડ મહામારી વચ્ચે કર વધારવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ગયા વર્ષે પણ આ જ સૂચના આપી હતી. સીતારમણે કહ્યું, “મહામારીના સમયે ટેક્સ વધારવા માંગતા ન હતા… પીએમ મોદીની સૂચના ખૂબ જ સ્પષ્ટ હતી – ‘કોઈ વધારાનો ટેક્સ નહીં’.” તે મુજબ આ બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નાણામંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કર કપાતની મર્યાદા 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તેમણે કહ્યું કે આનાથી રાજ્ય સરકારના કર્મચારીઓને સામાજિક સુરક્ષા લાભો મળશે અને તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ લાવશે.
આ પહેલા મંગળવારે પીએમ મોદીએ કહ્યું હતું કે બજેટથી દરેકને ફાયદો થશે ખાસ કરીને ગરીબો અને સમાજના પછાત વર્ગના લોકોને. વડાપ્રધાને કહ્યું- “આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓ માટે નવી સંભાવનાઓથી ભરેલું છે,”. તેમણે કહ્યું કે તે ગ્રીન જોબ્સનું ક્ષેત્ર પણ ખોલશે… આ બજેટનું એક મહત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે.”
સરકારે કહ્યું કે બજેટનો ઉદ્દેશ્ય કોવિડ રોગચાળા અને વધતી મોંઘવારીથી ચાલી રહેલા વિક્ષેપ વચ્ચે આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો છે. નિર્મલા સીતારમને એમ પણ કહ્યું હતું કે આ વર્ષનું બજેટ “ભારત@75 થી ભારત@100 પર અર્થતંત્રને આગળ ધપાવવાની બ્લુપ્રિન્ટ” હશે.