Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મફતમાં રસીકરણ દેશ સાથે બીજેપી માટે સંજીવની રૂપ!

મફતમાં રસીકરણ દેશ સાથે બીજેપી માટે સંજીવની રૂપ!

0
89

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કરતાં બે મોટી જાહેરાતો કરી. હવે બધા રાજ્યોને કેન્દ્ર સરકાર ફ્રિમાં વેક્સિન આપશે. રાજ્યોએ હવે તેના માટે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં. તે ઉપરાંત દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર મહિના સુધી એટલે દિવાળ સુધી વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ફ્રિ રાશન આપવામાં આવશે. એવામાં પ્રશ્ન ઉભો થાય છે કે પીએમ મોદીનો આ નિર્ણય આગામી વર્ષે થનાર પાંચ રાજ્યોની ચૂંટણીમાં બીજેપી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે છે.

આગામી વર્ષના શરૂમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં આગામી વર્ષની શરૂઆતમાં થનાર વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી હાલથી જ મંથન કરવામાં લાગી ગઈ છે. આ પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં બીજેપીની સરકારો છે અને ત્યાંની સત્તાને ગમે તેમ કરીને બચાવી રાખવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એવા રાજ્યો છે, જ્યાં પાછલા બે દશકાઓથી દર પાંચ વર્ષે સત્તા બદલાઇ જાય છે.

જે રાજ્યોમાં ચૂંટણી છે તેના માટે મંથનમાં બીજેપી

કોરોનાની બીજી લહેરમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બીજેપી વિરૂદ્ધ લોકોમાં અસંતોષ ઉઠ્યો છે તો પંજાબમાં ખેડૂત આંદોલનના કારણે નારાજગી પહેલાથી છે.એવામાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના આવાસ પર 5-6 જૂને રાષ્ટ્રીય મહાસચિવો સાથે બેઠક કરીને પાંચ રાજ્યોની ચૂંટણી પર મંથન કર્યું. બે દિવસ ચાલેલી બેઠકમાં કોરોના સંકટમાં પાર્ટી ‘સેવા જ સંગઠન’ અભિયાન કાર્યક્રમને ચૂંટણી રાજ્યોમાં તેજ કરશે. પાર્ટી જાણે છે કે 2024ની સામાન્ય ચૂંટણીથી પહેલા આ રાજ્યોમાં જીત મેળવવી જરૂરી છે નહીં તો તેમના રાજકીય જમીન વધારવામાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

વેક્સિનેશનની બધી જવાબદારી કેન્દ્ર પર

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને એવા સમયે સંબોધિત કર્યું છે, જ્યારે બીજેપી 2022માં થનાર પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને મંથનમાં લાગી ગઈ છે. જ્યારે વિપક્ષની સાથે-સાથે અનેક રાજ્ય સરકારો કહી રહી છે કે, વેક્સિનેશનની બધી જવાબદારી કેન્દ્ર સરકારે ઉઠાવવી જોઈએ. સાથે જ અનેક ગેર-બીજેપી શાસિત રાજ્યોએ તો વેક્સિનના સર્ટિફિકેટ પર વડાપ્રધાનના ફોટાની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીનો ફોટો લગાવવાનું શરૂ કરી દીધો હતો.

એવામાં વડાપ્રધાન મોદી પોતે આગળ આવીને વેક્સિનેશનની બધા જવાબદારી પોતાના ઉપર લઈ લે છે. પીએમ મોદીએ દાવો કર્યો છે કે અનેક રાજ્યોએ કહ્યું કે, તેઓ રસીકરણ કરી શકતા અને જૂની વ્યવસ્થા જ યોગ્ય હતી એટલે કેન્દ્ર સરકાર જ રસીકરણ કરે. પીએમે કહ્યું- રાજ્યોની માંગ ઉપર અમે પણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે દેશવાસીઓને તકલીફ ના પડે અને રસીકરણ વ્યવસ્થિત રીતે ચાલતું રહેવું જોઈએ.

વેક્સિનેશનનો રાજકીય ફાયદો મળશે

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં લોકોને રસી આપવી આખી માનવતા માટે મોટી સફળતા છે. પીએમ મોદીએ તે વાત પર જોર આપ્યો કે ગરીબ-મધ્યમ અને અમીર બધા લોકોને આ કાર્યક્રમ હેઠળ ફ્રિમાં રસી આપવામાં આવશે. આમ કેન્દ્ર સરકાર દેશભરમાં રસીકરણ કરશે, જેનો શ્રેય બીજેપી બધી જ રીતે લેવા માંગે છે. બીજેપી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ નવી રસીકરણ નીતિનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો છે.

જોકે, પંજાબમાં બીજેપીનો રસ્તો સરળ રહેશે નહીં કેમ કે ત્યાં કૃષિ કાયદાઓના કારણે શિરોમણી અદાલી દળે તેમના સાથે છેડો ફાડી નાંખ્યો છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મણિપુર અને ગોવામાં તેમની સરકાર છે. પાર્ટીમાં કોરોના સંકટ દરમિયાન સરકારની નિષ્ફળતાઓને લઈને પ્રશ્નો વચ્ચે આ રાજ્યોમાં સત્તામાં ફરીથી વાપસીનું ગણિત ગણવા બેસી છે. એવામાં પીએમ મોદીએ ફ્રિ વેક્સિન અને ફ્રિ અનાજ આપવાની જાહેરાત કરીને બીજેપી માટે સંજીવની આપી દીધી છે.

ચૂંટણીવાળા રાજ્યોમાં અભિયાન ચલાવશે બીજેપી

મોદી સરકાર ડિસેમ્બર સુધી સંપૂર્ણ વયસ્ક આબાદીનું રસીકરણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. દેશમાં 18 વર્ષથી વધારે ઉંમરવાળી આબાદી લગભગ 94 કરોડ છે, જ્યારે રસીકરણ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી મોદી સરકાર ઉપર છે. દેશમાં 7 કંપનીઓ અલગ-અલગ વેક્સિન પ્રોડક્શન કરી રહી છે, ટ્રાયલ કરી રહી છે, બીજા દેશોથી પણ આ પ્રક્રિયાને તેજ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આગામી ચૂંટણીવાળા રાજ્યોમાં વેક્સિનેશનનું કામ ખુબ જ ઝડપી કરવામાં આવી શકે છે. તેના પાછળનું કારણ તે પણ છે કે, ચાર રાજ્યોમાં બીજેપીની સરકાર છે અને તેનો શ્રેય મોદીને આપશે.

તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ કહ્યું- સરકાર ગરીબની દરેક જરૂરત સાથે તેની સાથે ઉભી છે. નવેમ્બર સુધી 80 કરોડ ગરીબોને ફ્રિ અનાજ આપવામાં આવશે. મારા કોઈ ભાઈ-બહેનને અને તેના પરિવારને ભૂખ્યા ઉંઘવું પડશે નહીં. હવે તે જોવાનું રહેશે કે, મોદીની દેશભરમાં ફ્રિ વેક્સિન અને ફ્રિ અનાજની જાહેરાત બીજેપી માટે ચૂંટણીવાળા રાજ્યોમાં સંજીવની સાબિત થઈ શકે છે કે નહીં?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat