નવી દિલ્હીઃ ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાઓ આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ અગાઉ જાપાનના પીએમ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ ફુમિયો કિશિદા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા હતા અને તેમને મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પરના પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેઓ વડાપ્રધાન કિશિદા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરે છે. તેમણે ઉમેર્યું કે તેઓ છેલ્લાં એક વર્ષમાં ઘણી વખત મળ્યા છે અને દરેક વખતે મેં ભારત-જાપાન સંબંધો પ્રત્યે તેમની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતાને અનુભવી છે. તેમની આજની મુલાકાત આપણા પારસ્પારિક સંબંધોની ગતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમની મુલાકાત અન્ય કારણસર પણ ખાસ હોવાનું PM મોદીએ ઉમેર્યું હતું.
આ વર્ષે ભારત G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જાપાન G7 ની અધ્યક્ષતા કરી રહ્યું છે. તેથી અમારી સંબંધિત પ્રાથમિકતાઓ અને હિતો પર સાથે મળીને કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે. આજે મેં વડા પ્રધાન કિશિદાને ભારતની G20 અધ્યક્ષતાની પ્રાથમિકતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે G20 અધ્યક્ષતાનો એક મહત્વપૂર્ણ આધાર ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને અવાજ આપવાનો છે. ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી આપણા સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય ફલક પર કાયદાના શાસનના સન્માન પર આધારિત છે. આજે જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ મને G7 નેતાઓનાશિખર સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે જે આગામી મે મહિનામાં હિરોશિમા ખાતે યોજાશે. હું આ માટે તેમનો આભાર માનું છું.
દ્વિપક્ષીય મંત્રણા બાદ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું કે તેમણે વડાપ્રધાન મોદીને G7 હિરોશિમા સમિટમાં ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું અને તેમના આમંત્રણને સ્થળ પર જ સ્વીકારી લેવામાં આવ્યું હતું.
Advertisement