Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > દેશમાં કોરોનાથી લોકો મરી રહ્યાં છે તો ચોકીદાર એન્ડ કંપની રેલીઓમાં વ્યસ્ત

દેશમાં કોરોનાથી લોકો મરી રહ્યાં છે તો ચોકીદાર એન્ડ કંપની રેલીઓમાં વ્યસ્ત

0
91

આજે એક વખત ફરીથી કોરોનાએ આગળના બધા જ રેકોર્ડ તોડીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. માત્ર એક જ દિવસમાં કોરોનાના 2.34 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે 1341 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, આ આંકડો સરકારી હોવાથી કદાચ નવા કેસો અને મૃત્યુઆંક વધારે હોવાનું પણ નકારી શકાય નહીં. કારણ કે, અમદાવાદમાં જ શ્માશાન ઘાટમાં 24 કલાકમાં 50 મૃતદેહો આવ્યા હતા તો સરકારી ચોપડે 24 મૃત્યુ જ દર્શાવવામાં આવ્યા હતા. તેથી દેશભરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં હોઈ શકે છે પરંતુ તેનો અસલી આંકડો આપણા સુધી કદાચ પહોંચી ના પણ રહ્યાં હોઈ શકે તેવું માની શકાય.

દેશમાં સ્થિતિ એકદમ વિકટ બની ગઈ છે. ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેક્શન, રસી, હોસ્પિટલોમાં બેડ, નસો-ડોક્ટરોની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. સુવિધાના અભાવે દર્દીને સમયસર સારવાર ના મળવાના કારણે મોતોનો આંકડો વધી રહ્યો છે. પરંતુ પ્રશ્ન અહીં તે થાય છે કે, દેશને બચાવવાની જવાબદારી જનતાએ જેને આપી છે, તે ચોકીદાર એન્ડ કંપની વર્તમાનમાં શું કરી રહી છે?

પીએમ મોદી પોતાને દેશનો ચોકીદાર ગણાવી ચૂક્યા છે અને અનેક વખત દેશની રક્ષા કરવાની સોગંધ પણ ખાઈ ચૂક્યા છે. યાદ કરો તેમનો ફેમસ ડાયલોગ- “સોગંધ હૈ મુજે ઈસ મિટ્ટી કી મે દેશ નહીં ઝૂકને દૂગા”… અરે ચોકીદાર સાહેબ… અત્યારે દેશવાસીઓ મરી રહ્યાં છે એટલે દેશ મરણ પથારીએ પડ્યું છે. તેવી સ્થિતિમાં તમે ક્યાં ગાયબ થઈ ગયા છો.

ચોકીદાર સાહેબે અત્યારે સવારે કૂંભ મેળાને લઈને સંતોને અપીલ કરી કે મેળાને હવે પ્રતીકારાત્મક જ રાખો. આ અપીલ કર્યાં પછી સાહેબ પશ્ચિમ બંગાળ રવાના થઈ ગયા, જ્યાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને તેમને સંબોધિત કરશે. બોલો… અહીં સંતોને કહે છે કે, ટોળે ના વળો તો ત્યાં લોકોના મોટે-મોટા ટોળા પોતે ભેગા કરશે.

પશ્ચિમ બંગાળમાં મોદી અત્યાર બે વિશાળ રેલીઓ કરશે, જ્યારે એક જનસભાને સંબોધિત કરશે. જ્યારે અમિત શાહ પણ બે રેલીઓ અને જનસભાને સંબોધિત કરવાના છે. જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના મોટી સંખ્યામાં કેસો સામે આવી રહ્યાં છે, તેવી સ્થિતિમાં રાજકીય પાર્ટીઓ મેળવડા કરી રહી છે. તો દેશના અન્ય ભાગોમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં લીમિટેડ લોકોનો નિયમ લગાવી દેવામાં આવ્યો છે.

ગયા વર્ષે તો ચોકીદાર સાહેબે નજીવા કેસો આવતાની સાથે જ દેશમાં સંપૂર્ણ લોકડાઉન જેવો નિર્ણય લઈને લોકોને ઘરમાં રહેવાની સલાહ પણ આપી હતી. જોકે, વર્તમાનમાં તો દેશનો ચોકીદાર દેશવાસીઓને તેમન ખરાબ સ્થિતિમાં છોડીને બંગાળ જીતવામાં વ્યસ્ત બની ગયો છે.

દેશવાસીઓને પોતાની સ્થિતિ ઉપર છોડી દેવામાં ઉપરાંત કોરોનાને રોકવા માટે જનતા ઉપર જ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. દેશભરના ગલી-મહોલ્લાઓમાં પોલીસના ટોળે-ટોળા ઉભા હોય છે. કોરોનાથી એક વખત વ્યક્તિ બચી શકે છે પરંતુ પોલીસના દંડથી બચવું અશક્ય છે.

મોંઘવારીની માર સહન કરી રહેલી જનતા ઉપર ચોકીદાર એકમાત્ર દંડાત્મક કાર્યવાહી અને ધોકાઓ થકી કોરોનાને રોકવાની કોશિશ કરવામાં લાગ્યો છે. કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ દેશવાસીઓ પાસેથી કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવી લેવામાં આવ્યો છે.

હવે જનતાને સમજી લેવું જોઈએ કે, પોતાનો અને સગા-સંબંધીઓના જીવ બચાવવાની જવાબદારી તેમની પોતાની જ છે. કારણ કે, સ્વાસ્થ્યને લગતી કોઈ જ સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી. કોવિડ હેલ્પલાઈન સેન્ટરમાં ફોન કરવામાં આવે છે તો એવો જવાબ મળે છે કે, “હવે તમે મરી જાઓ”

દેશમાં વર્તમાનમાં પંદર લાખથી વધારે એક્ટિવ કેસ થઈ ગયા છે. હોસ્પિટલો ઉભરાઇ રહી છે, સુવિધાઓનો ભયંકર અભાવ સામે આવ્યો છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે, શ્મશાન ઘાટોમાં પણ લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે. તે છતાં પણ કોઈ નક્કર નિર્ણય લેવાની જગ્યાએ ચોકીદાર પશ્ચિમ બંગાળમાં લોકોના ટોળે-ટોળા ભેગા કરીને પ્રચાર-પ્રસાર કરી રહ્યો છે.

વર્તમાનની વિકટ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, દેશની જનતાએ એવા લોકોના હાથમાં સત્તા સોંપી દીધી છે, જેમને દેશવાસીઓની ચિંતા ઓછી છે અને પોતાની રાજકીય જમીન વધારવામાં વધારે રસ છે. જો ચોકીદારને દેશવાસીઓની ચિંતા હોત તો બંગાળ સહિતની અન્ય રાજ્યોની ચૂંટણીઓ રદ્દ કરી હોત. કુંભ મેળામાં લાખોની સંખ્યામાં લોકોને એકઠા થવા દીધા ના હોત. દેશવાસીઓને સીધી મદદ કરવા માટે કોઈ પેકેજની જાહેરાત કરી હોત. જોકે, આવા કોઈ જ નિર્ણય અત્યાર સુધી મોદી સરકાર તરફથી લેવામાં આવ્યા નથી.

ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે પણ લોકોના હાથમાં ડાયરેક પૈસા આવે તેવી કોઈ જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નહતી. આડકતરી રીતે લોન આપવાની વાત કરવામાં આવી હતી. જોકે, બેંકો પોતે જ ઓક્સિજન ઉપર હોય ત્યારે તેઓ કેવી રીતે બીજાને લોન આપી શકે છે. તેથી અર્થવ્યવસ્થાની સ્થિતિ પણ કફોડી થઈ ગઈ હતી.

ગત્ત વર્ષ કરતાં પણ વર્તમાનમાં સ્થિતિ વધારે ભયંકર છે. ગયા વર્ષે કોરોનાની શરૂઆતમાં હાલ જેટલા કેસો આવી રહ્યાં નહતા. વર્તમાનમાં પ્રતિદિવસ પાંચ લાખ કેસો આવવાનો નિષ્ણાતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે,  જ્યારે એક દિવસમાં 3000થી ચાર હજાર લોકોના મોત થવાનો દાવો પણ કર્યો છે.  જોકે, તે છતાં પણ સત્તામાં બેસેલા લોકો તેને નજર અંદાજ કરી રહ્યાં છે, તે વધારે ભયાનક સ્થિતિમાં દેશવાસીઓને લઈ જઈ શકે છે.

કદાચ બંગાળની ચૂંટણી પછી ચોકીદારની વાપસી થાય તેવું લાગી રહ્યું છે. જોકે, ત્યાર સુધીમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat