Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોમાં CM બાળ સહાય યોજનાના ફોર્મ એનાયત કરાયા

કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોમાં CM બાળ સહાય યોજનાના ફોર્મ એનાયત કરાયા

0
59
  • કાંકરિયા લેક ફ્રન્ટ ગેટ નં.1 ખાતે નયા ભારત મેલા પ્રદર્શનનું ઉદ્દઘાટન કરાયું

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજયા

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જયારે કર્ણાવતી મહાનગર ભાજપ સંગઠન તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંયુક્તપણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષારોપણ ઉપરાંત બાપુનગર ખાતે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના 28 હજારની નોંધણી તેમજ જે બાળકોએ કોરોના કાળમાં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી છે તે બાળકો માટે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાના લાભાર્થી ફોર્મ નોંધણીના સરકારી પત્રો એનાયત કરાયા હતા.

રાજયના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત શહેરના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં કાંકરિયા લેકફ્રન્ટ ગેટ નં. 1 ખાતે નયા ભારત મેલા પ્રદર્શનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કવન અને વડાપ્રધનના કાર્યકાળમાં થયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો તેમજ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મૂકવામાં આવી છે. સાથો સાથ પ્રસ્થાપિત સ્ટોલમાંથી વિવિધ યોજનાઓના ફોર્મ પણ વિતરણ કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના તેમજ કેન્દ્રના જાહેર જીવન બાબતે તેજસ્વી સૂર્યાજીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાવતી કલબ ખાતે બપોરે યુથ કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં યુવાઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના તેમણે યુવાનોને સંતોષકારક જવાબો આપ્યા હતા.

એસ.જી. હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા શ્રી શક્તિ કન્વેશન સેન્ટરમાં વીવાયઓ સંસ્થા દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી મુખ્યમંત્રીના હસ્તવે 1100 પ્રગ્યાચક્ષુઓને સેન્સરવાળી સ્માર્ટ સ્ટીક વિતરણ કરવામાં આવી હતી. જયારે સમગ્ર રાજયમાં સેવા સમર્પણ અભિયાન અંતર્ગત 71 હજાર સ્ટીક વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાજપ ડોકટર સેલ તેમજ મહિલા મોરચાના સંયુક્ત પ્રયાસથી મહિલાઓના ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે પેપ સ્મીઅર ટેસ્ટ કર્ણાવતી મહાનગરના તમામ 48 વોર્ડમાં 50થી વધુ નિષ્ણાતોની હાજરીમાં 2600થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જયારે સમગ્ર રાજયના મહાનગરોમાં આવતાં 170 વોર્ડમાં 8500થી વધુ ટેસ્ટ કરવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરીને એક અનોખો સેવાકીય વર્લ્ડ રેકોર્ડ ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવશે.

71 જેટલાં બાળકોને ઓપન હાર્ટ સર્જરી અમદાવાદમાં કરવામાં આવશે: પાટીલ

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ તથા સમગ્ર દેશની જનતાના આર્શીવાદથી લોકસેવાના સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વિવિધ કાર્યક્રમોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળીને 71 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતભરમાં 71 લાખ જેટલી નોટબુક જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. 71 જેટલાં બાળકોની ઓપન હાર્ટ સર્જરીની જરૂર છે તેવા બાળકોના ઓપરેશન અમદાવાદ ખાતે કરવામાં આવશે. જેમાં સરકારની યોજના, હોસ્પિટલની રાહત અને ભાજપના કાર્યકર્તા દ્રારા મદદ કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે વડાપ્રધાનને શુભેચ્છા મોકલતાં 25 લાખ જેટલાં પોસ્ટ કાર્ડ લખવામાં આવી રહ્યાં છે. જયારે વડોદરામાં વડાપ્રધાનની 71 કિલોની કેક પણ બનાવવામાં આવી હતી. સાથે બ્લડ કેમ્પ, મેડિકલ ચેકઅપ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સહકારીતા સેલ દ્વારા નરેન્દ્ર મોદીના તંદુરસ્તી સાથેના દીર્ઘ આયુષ્ય મળે તે માટે સોલા ભાગવત ખાતે સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ગૌ દાન કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂત સમુદાયને સમુધ્ધ કરવા 7 મુદ્દાઓ ઉપર સ્ટ્રેટેજી બનાવી ખેડૂતોની ખેતીની આવક બમણી કરવા સંકલ્પ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat