વિશાલ મિસ્ત્રી રાજપીપલા: PM નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે 31મી ઓકટોબરે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે તેમને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 2022ના વર્ષનો આ એકતા દિવસ એ આપણા માટે વિશેષ દિવસ છે.. આ વર્ષમાં આપણે આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે… તે માટે આ દિવસનું આપણા માટે વિશેષ મહત્વ રહ્યું છે. સરદાર પટેલની જન્મ જયંતી- એકતા દિવસ એ આપણાં માટે ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે.
Advertisement
Advertisement
જો આપણી સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન લડાઈ હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે. જો 550થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ન થયું હોત તો શું થાત? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે… સરદાર પટેલે આ અશક્ય લાગતુ કાર્યને પૂર્ણ કરી સમગ્ર ભારતને એકતાંતણે જોડ્યું હતું. એકતાની શક્તિએ ક્યારેય આપણાં માટે વિવશતા નથી રહી, પરંતુ એ સદા સર્વથા આપણી ભારતીયોની વિશેષતા બની રહી છે. એકતાની ભાવના એ પ્રત્યેક ભારતીયોના અંતર મનમાં રચાયેલી રહી છે. દેશ ઉપર જ્યારે પણ કોઈ આપદા આવી છે.. તેવા સમયે દેશ એકજૂટ બની સેવા- સહયોગની સંવેદના સાથે ઉભો રહ્યો છે… ભારતની એકતા દુશ્મનોને ખટકે છે. ગુલામીના કાલખંડમાં પણ આ એકતા દુશ્મનોને ચૂભતી હતી.. તેથી જ બહારના લોકોએ ભારતને તોડવા માટે અનેક પ્રયાસો કર્યા, તેની સામે આપણે આપણી એકતાના અમૃતના કારણે તેનો મક્કમતાથી સામનો કરી શક્યા હતા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે પણ આપણે તોડનારી, વિભાજન કરવાવાળી તાકાતની સામે જાગૃત બનવું પડશે.દેશને કમજોર કરવાવાળી તાકાત એ ગુલામીની માનસિકતા, વ્યક્તિગત સ્વાર્થ અને ભ્રષ્ટાચારના રૂપમાં આપણી સામે આવે છે, તેની સામે આપણે ભારત માતાના સંતાનો તરીકે એકજૂટ બની જવાબ આપીને સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવું પડશે.દેશમાં ભાષા – ભોજન ભલે અલગ હોય, પરંતુ આજે તમામ લોકો સુધી સરકારની નીતિ – યોજનાને પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. દસકાઓ સુધી ઉપેક્ષિત પ્રત્યેક સમાજને પ્રાધાન્ય આપી તેને વિકાસની તરાહમાં જોડયા છે. સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે એક મિશનના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે. આ મિશન એ દેશના સંવિધાનમાં સામાન્ય માનવીના વિશ્વાસનું માધ્યમ બની રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની તાકાત એ તેની એકતામાં રહેલી છે. દેશની એકતા એકજૂટતા એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. કેવડીયા ખાતે લોકોની એકતાથી વિકસિત બનેલું એકતાનગર એ આજે ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે. આ એકતાનગર ખાતે રચાયેલ એકતા મોલ, એકતા નર્સરી, એકતા ફેરી, એકતા રેલ્વે સ્ટેશન સહિતના અનેક સ્થાનકો રાષ્ટ્રીય એકતા માટે આપણને પ્રેરિત કરી રહ્યા છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાયા હતા.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
Advertisement