Gujarat Exclusive > દેશ-વિદેશ > વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો, આ વિકાસવાદનો સમય: PM મોદી

વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો, આ વિકાસવાદનો સમય: PM મોદી

0
417

પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે શુક્રવારે સવારે ઓચિંતા લેહ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં જવાનોને સંબોધવા દરમિયાન નામ લીધા વિના ચીનને સખ્ત સંદેશ આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તમારી વીરતા અને શૌર્યને સમગ્ર દેશ સલામ કરે છે. આ ધરતી વીરોની છે અને વીરો માટે છે. આપણો સંકલ્પ હિમાલય જેટલો ઊંચો છે. તમારું સાહસ તેનાથી પણ ઉંચુ છે, જ્યાં તમે તૈનાત છો. વડાપ્રધાન મોદીના સંબોધનની મોટી વાતો ….

આ પણ વાંચો: PM મોદીના અચાનક લેહ પ્રવાસથી ચીન પરેશાન, કહ્યું- ‘કોઈ પક્ષ તનાવ ના વધારે’

→ જ્યારે તમે સરહદ પર ખડેપગે રહો છે, એજ બાકીના તમામ દેશવાસીઓને કામ કરવાની પ્રેરણા આપે છે. તમે અને તમારા સાથીઓએ જે બહાદૂરી દર્શાવી છે, તેણે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે, ભારતની શું તાકાત છે.

→ આપણે એ લોકો છીએ, જે વાંસળી વાળા શ્રીકૃષ્ણની પૂજા કરીએ છીએ, તો સુદર્શન ચક્રધારી રૂપને પણ આપણા આદર્શ માનીએ છીએ. આ પ્રકારના આક્રમણોથી ભારત સશક્ત બનીને સામે આવ્યું છે. નબળા લોકો ક્યારેય શાંતિની પહેલ નથી કરી શકતા, વીરતાથી જ તેની શરૂઆત થાય છે.

→ ભારત આજે આકાશ, ભૂમિ અને જળમાં પોતાના તાકાત વધારી રહ્યું છે, તો તેની પાછળ એકમાત્ર લક્ષ્ય માનવ કલ્યાણ છે. વિશ્વયુદ્ધ હોય કે પછી શાંતિની વાતા હોય, લોકોએ આપણા વીર સપૂતોનું પરાક્રમ પણ જોયું છે અને વિશ્વશાંતિ માટે આપણા પ્રયત્નો પણ જોયા છે.

→ વીતેલા સમયમાં વિસ્તારવાદે જ માનવતાનું સૌથી વધુ અહિત કર્યું છે. માનવતાનો વિનાશ કરવાનું કામ કર્યું છે. વિસ્તારવાદની જિદ જ્યારે કોઈના પર સવાર થઈ જાય, તો તેણે વિશ્વશાંતિ સામે મોટુ જોખમ ઉભુ કર્યુ છે. ઈતિહાસ સાક્ષી છે કે, આવી તાકાતોના શું હાલ થયા છે?

→ વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ચૂક્યો છે. હવે વિકાસવાદનો સમય આવી ગયો છે. ઝડપથી બદલાતા સમયમાં વિકાસવાદ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે અવસર છે અને તેજ ભવિષ્યનો આધાર પણ છે. સમગ્ર વિશ્વમાં વિસ્તારવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે. આજે દુનિયા વિકાસવાદને સમર્પિત છે. આજે વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ શુક્રવારે માત્ર રક્ષા મંત્રી રાજનાથ સિંહને જ લેહ જવાનું હતું. જો કે ગુરૂવારે તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે બાદ માત્ર CDSને જ લેહ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, લદ્દાખની ગલવાન ઘાટીમાં 15-જૂને PP-14 પર ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બન્ને દેશો વચ્ચેનો તનાવ વધી ગયો છે. આ હુમલામાં ભારતના કર્નલ સંતોષ બાબૂ સહિત 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતુ. ચીનના પણ 43 સૈનિકો માર્યા ગયા હોવાના રિપોર્ટ્સ છે. જો કે ચીને હજુ સુધી તેનો સત્તાવાર સ્વીકાર નથી કર્યો.

હોમ આઈસોલેશનને લઈને નવા નિયમો જાહેર, કેન્સર અને HIV પેશન્ટ માટે પણ રૂલ્સ બદલાયા