કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે કોવિડ વેક્સિન લગાવવાની અનિવાર્યતાની વિરુદ્ધ રાજધાની ઓટાવામાં લોકોનું વિરોધપ્રદર્શન મોટે પાયે ચાલુ છે. એને જોતાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટો નિર્ણય લીધો છે. પીએમએ સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધમાંથી ઉગરવા માટે ઈમરજન્સી એક્ટ લાગુ કર્યો છે.
કેનેડામાં ટ્રકડ્રાઈવરના ભારે પ્રદર્શનને લઈને જસ્ટિન ટ્રુડોએ સોમવારે કહ્યું હતું કે આ દેખાવોને સમાપ્ત કરવા માટે તે ઈમરજન્સી લાગુ કરવા જઈ રહ્યા છે. ઈમરજન્સી એક્ટનો ઉપયોગ દેશમાં સંકટના સમયમાં કરવામાં આવે છે. પાર્લમેન્ટ હિલ પર એક પત્રકારો સાથેની વાતચીત ટ્રુડોએ કહ્યું હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાયદાને પ્રભાવી રીતે લાગુ કરવાની કાયદાની પ્રવર્તન ક્ષમતા માટે ઘણા ગંભીર પડકારો સર્જાયા છે.
ટ્રુડોએ કહ્યું હતું કે નાકાબંધી અમારી અર્થવ્યવસ્થાને નુકસાન કરી રહી છે અને સાર્વજનિક સુરક્ષાને ખતરામાં મૂકી રહી છે. અમે ગેરકાયદે અને ખતરનાક ગતિવિધિઓને ચાલુ રાખવાની અનુમતિ ન આપી શકીએ અને આપીશું પણ નહિ. સીબીસી ન્યૂઝના રિપોર્ટ મુજબ ઈમરજન્સી એક્ટ લાગુ થવાથી પોલીસને એ જગ્યાઓ પર વ્યવસ્થા કરવા માટે વધુ અધિકારો મળે છે, જ્યાં લોકો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવતા હોય છે અને ખતરનાક ગતિવિધિઓ જેવી કે નાકાબંધી હોય છે.