Gujarat Exclusive > રાજનીતિ > મારા પુત્રના હારની જવાબદારી સચિન પાયલટે લેવી જોઈએ: ગહલોત

મારા પુત્રના હારની જવાબદારી સચિન પાયલટે લેવી જોઈએ: ગહલોત

0
282

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને કેન્દ્રમાં નવી સરકારના મંત્રી મંડળના શપથ પણ લેવાઈ ગયા છે, ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસમાં મતભેદ સામે આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે અને રાજસ્થાનમાં તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.

રાજસ્થાનમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગહલોત વચ્ચેના મતભેદ સામે આવવા લાગ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોતે સોમવારે સ્પષ્ટ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં મારા પુત્રના હારની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે લેવી જોઈએ. જો કે સચિન પાયલટે તેમના નિવેદન પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે.

એક ખાનગી ચેનલમાં ગહલોતે જણાવ્યું કે, સચિન પાયલટે કહ્યું હતું કે, મારો પુત્ર વૈભવ ગહલોત જોધપુર બેઠક પરથી જંગી મતોથી વિજેતા બનશે. આ લોકસભા વિસ્તારમાં અમારા 6 ધારાસભ્યો પણ છે અને અમારો ચૂંટણી પ્રચાર પણ અહીં સારો રહ્યો હતો. આથી મને લાગે છે કે, સચિન પાયલટે ઓછામાં ઓછી એક બેઠકની જવાબદારી લેવી જોઈએ. જોધપુર બેઠક પર હારનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ કે, આખરે આપણે ત્યાંથી હાર્યા કેમ?

રાજસ્થાનના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સચિન પાયલટે મને જણાવ્યું હતું કે, આપણે જોધપુર બેઠક પર જીતી રહ્યાં છીએ. આથી જ વૈભવ ગહલોતને પાર્ટી તરફથી ટિકિટ મળી. અમારે રાજ્યની તમામ 25 બેઠકો પર પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. એવામાં જો કોઈ કહે કે, મુખ્યમંત્રી કે PCCએ હારની જવાબદારી લેવી જોઈએ, તો મારૂ માનવું છે કે, આ આપણાં સૌની જવાબદારી છે.

અશોક ગહલોત દ્વારા સચિન પાયલોટ અંગે આવું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાયલટના સમર્થકો છેલ્લા થોડા દિવસોથી સાર્વજનિક રૂપે કહી રહ્યા છે કે, કોંગ્રેસની કારમી હાર પાછળ રાજ્યના મુખ્યમંત્રીની કાર્યશૈલી હતી.

ઉલ્લેખનીય છે કે, ગહલોતના પુત્ર વૈભવને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે 4 લાખ કરતા વધારે મતોથી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત સરદારપુરા વિધાનસભા વિસ્તારમાં, જે 1998માં ગહલોતની બેઠક રહી હતી અને જ્યાંથી તેઓ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા, ત્યાં પણ તેમના પુત્ર વૈભવ 19,000 મતો પાછળ રહ્યાં હતા.