બે દિવસ સુધી શાંતિ પછી મંગળવારે તેલ કંપનીઓએ ફરીથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરી દીધો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમાં 35 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 90.93 રૂપિયાની કિંમતે પહોંચ્યુ છે. ડીઝલમાં પણ 35 પૈસા પ્રતિ લીટરનો વધારો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ રહ્યો છે.
સોમવારે બ્રેંટ ક્રૂડ 65 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયો. તેલના ભાવ દેશમાં રેકોર્ડ ઉંચાઈ પર ચાલી રહ્યાં છે. પ્રીમિયમ પેટ્રોલ તો પહેલાથી જ અનેક શહેરોમાં 100 રૂપિયાને પાર વેચાઈ રહ્યો છે. હવે સામાન્ય પેટ્રોલ પણ રાજસ્થાનના શ્રીગંગાનગર, મધ્ય પ્રદેશના અનૂપપુર જેવા અનેક શહેરોમાં 100 રૂપિયાને પાર વેચાઈ રહ્યું છે.
ડીઝલની કિંમતમાં પણ અતિશય વધારો
પેટ્રોલની સાથે-સાથે ડીઝલની કિંમતો પણ આકાશને આંબી રહી છે. આજે ડીઝલમાં પણ 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો. આ મહિને 13 દિવસોમાં આની કિંમત 3.84 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. નવા વર્ષમાં લગભગ દોઢ મહિનામાં 24 દિવસ જ ડિઝલના ભાવ વધ્યા, પરંતુ એટલા દિવસોમાં જ ડીઝલ 07.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થઈ ચૂક્યો હતો.
ટેક્સમાં ઘટાડો કરવાનું પ્રેશર
પેટ્રોલ-ડીઝલના રેટ સતત વધતા જઈ રહ્યાં છે. તેના પર રાહત આપવા માટે રાજ્યોની સરકારો વેટ અથવા અન્ય ટેક્સમાં ઘટાડો કરી ચૂકી છે, પરંતુ હજું સુધી કેન્દ્ર સરકારે એવું કોઈ જ મન બનાવ્યું નથી. લોકડાઉન દરમિયાન તેલની માંગ ખુબ જ ઓછી થઈ ગઈ હતી, પરંતુ સરકારે ટેક્સમાં વધારો કરીને પોતાની આવક વધારવાનો રસ્તો નિકાળ્યો હતો. કાચા તેલની કિંમતોમાં પણ ઐતિહાસિક ઘટાડો આવ્યો હતો, તેનો ફાયદો પણ તેલ કંપનીઓને મળ્યો. પેટ્રોલિયમ પર સૌથી વધારે ટેક્સ લગાવવાની બાબતે ભારત દુનિયાના ટોપ-5 દેશોમાંથી એક છે.