પટણા: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પાડોશી દેશ કરતા પણ વધારે થઇ ગયા છે. ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ પાછળ છોડી દીધા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સસ્તુ પેટ્રોલ લેવા માટે નેપાળ જઇ રહ્યા છે. બિહારની સરહદો પર કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે જે સરહદપારથી પેટ્રોલ લઇને આવતા હતા. આ ઘટના બિહારના અરરિયા અને કિશનગંજ જિલ્લા સાથે જોડાયેલી નેપાળ સરહદ પર સામે આવી છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુર પેટ્રોલ પંપ સંચાલક સંગઠનના જિલ્લા અધ્યક્ષે જણાવ્યુ કે નેપાળથી પેટ્રોલની તસ્કરીને કારણે ગોરખપુરમાં પેટ્રોલનું વેચાણ ઘટ્યુ છે. અત્યારે કોરોના મહામારી દરમિયાન બન્ને દેશની બોર્ડર સીલ છે. જો ભારતમાં પેટ્રોલની કિંમત આ રીતે વધે છે તો નેપાળથી પેટ્રોલની તસ્કરી વધી શકે છે.
બિહારના અરરીયામાં પેટ્રોલ 93.50 રૂપિયે લીટર મળી રહ્યુ છે જ્યારે નેપાળમાં 70.62 રૂપિયા લીટરે પેટ્રોલ મળી રહ્યુ છે. ભારત કરતા પણ નેપાળમાં પેટ્રોલ 23 રૂપિયા સસ્તુ મળી રહ્યુ છે.
આ સમાચાર શેર કરતા પત્રકારે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો, તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, ભાજપે નેપાળમાં પણ સરકાર બનાવી લીધી તો પછી ક્યા જશો. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે ગૃહમંત્રી અમિત શાહનો હવાલો આપતા એક નિવેદન કર્યુ હતું, જેમાં તેમણે કહ્યુ હતું કે ભાજપ માત્ર ભારતના જ રાજ્યો નહી પણ નેપાળ અને શ્રીલંકામાં પણ સરકાર બનાવવા માંગે છે. ભાજપના નેતા અને ત્રિપુરાના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા આ નિવેદન પર નેપાળે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: મોદી સરકારનું અર્ધસત્યઃ વૈશ્વિક ક્રૂડ મોંઘુ જણાવે છે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ ભારત કરતા અડધા ભાવે કેમ?
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવની વાત કરીએ તો સરકારે પેટ્રોલ ડીઝલ પર કૃષિ સેસ લગાવી દીધી છે અને બીજી તરફ એક્સાઇઝ ડ્યૂટી પણ ઓછી કરવામાં આવતી નથી, જેને કારણે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.