- ભરોશાની ભાજપ સરકારના રાજમાં 14 જેટલી ભરતી પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે: MLA ચૈતર વસાવા
- પેપર લીક મુદ્દે સરકાર કાયદો નહિ બનાવે તો સરકારની સામે જઈ રોડ પર ઉતરી જન આંદોલન કરીશું અને જરૂર પડી તો વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું
- જેણે પણ પેપર ફોડ્યું છે એમને અમારી હાય લાગશે, સરકારના વાંકે અમારી મેહનત પર પાણી ફરી વળ્યુ છે: વિદ્યાર્થીઓનો આક્રોશ
- અગાઉ પણ ઘણા પેપરો ફૂટ્યા છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી, સરકારને પેપર ફૂટવાનુ કોઈ દુઃખ છે જ નહિ: વિદ્યાર્થીઓનો આક્રોશ
- બેરોજગાર યુવક યુવતીઓના મા બાપે પેટે પાટા બાંધી ભણાવ્યા એમના ભવિષ્ય સાથે ચેડા કરનારની તુરંત ધરપકડ થવી જોઈએ: MLA ચૈતર વસાવા
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિત એમની ટીમ પાસે સરકાર રાજીનામા લઈ લે એવી ચૈતર વસાવાની માંગ
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક 552 જગ્યાની પરીક્ષા માટે રાજ્યના વહીવટી તંત્રે પણ છેલ્લા કેટલાક દિવસોથી તનતોડ તૈયારી કરી હતી.ગુજરાતના 33 જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર રવિવારે સવારે 11 થી 12 કલાક પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 70,000 કર્મચારીઓનો સ્ટાફ અને 7500 પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવાયા હતા. રાજ્યમાં 939 રૂટ, 42 જેટલા સ્ટ્રોંગરૂમ અને 291 ફ્લાઈંગ સ્કવોર્ડ પણ રચી દેવાઈ હતી.બીજી તરફ પરીક્ષાના દિવસે જ એ પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રખાઈ હતી જેથી સરકારી નોકરી મેળવવા દીવસ રાત તનતોડ મેહનત કરતા 9 લાખ 53 હજાર 723 પરિક્ષાર્થીઓના ભવિષ્ય ધૂંધળા બની ગયા છે.
Advertisement
Advertisement
નર્મદા જિલ્લાના અંતરિયાળ સેલંબા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે છોટાઉદેપુર, આણંદ, ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસે જ આવી પહોંચ્યા હતા.કડકડતી ઠંડીમા રેહવાની વ્યવસ્થા ન થતા કેટલાક વિદ્યાર્થીઓએ તો એસ.ટી ડેપોમાં જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓએ મંદિરમાં રાત ગુજારવી પડી હતી.હવે તેઓ પરીક્ષા આપવા માટે સેન્ટર પર જવા કે તરત પેપર ફુટી ગયું એવી માહિતી મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
વિદ્યાર્થીઓએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે અમારા માં બાપ પાસે પૈસા ન્હોતા તો અનાજ વેચી ભેગા કરેલા પૈસા અમને આપ્યા ત્યારે અમે પરીક્ષા આપવા આવી શક્યા છે. આ સરકર વિદ્યાર્થીઓ સાથે મજાક કરી રહી છે, અગાઉ પણ ઘણા પેપરો ફૂટ્યા છે પણ કોઈ કાર્યવાહી કરી નથી. સરકારને પેપર ફૂટવાનુ કોઈ દુઃખ છે જ નહિ, પેપર ફોડનાર સામે સરકારે કડક પગલા લેવા જોઈએ.જેણે પણ પેપર ફોડ્યું છે એમને અમારી હાય લાગશે.અમને સરકારી નોકરી મળશે એવા સપના સાથે અમે છેલ્લાં 2- 3 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, સરકારના વાંકે અમારી મેહનત પર પાણી ફરી વળ્યુ છે.
તો બીજી બાજુ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરોશાની ભાજપ સરકારના રાજમાં 14 જેટલી ભરતી પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે.બેરોજગાર યુવક યુવતીઓના મા બાપે પેટે પાટા બાંધી ભણાવ્યા એમના ભવિષ્ય સાથે ચેડા કરનારની તુરંત ધરપકડ થવી જોઈએ, હવે આ વિદ્યાર્થીઓ માનસિક રીતે પડી ભાંગશે.
પેપર લીક વિરૂદ્ધ સરકાર કડક કાયદો બનાવે, સરકાર જો કાયદો બનાવશે તો અમે એમની સાથે છીએ અને જો કાયદો નહિ બનાવે તો સરકારની સામે જઈ રોડ પર ઉતરી જન આંદોલન કરીશું અને જરૂર પડી તો વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિત એમની ટીમ પાસે સરકાર રાજીનામા લઈ લે એવી મારી માંગ છે.
Advertisement