ગુરુવારે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી ICC T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર આ મેચમાં ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં મિસ્ટર બીનની ચર્ચા વધુ થઈ રહી છે.
Advertisement
Advertisement
બંને દેશોના સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સ જ નહીં, રાષ્ટ્રાધ્યક્ષો પણ આ ચર્ચામાં જોડાયા છે. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન ડેમ્બુડઝો મેન્ગાગ્વાએ તેમની ટીમને અભિનંદન આપ્યા અને પાકિસ્તાનને આગલી વખતે અસલી મિસ્ટર બીનને મોકલવાનો તંજ કસ્યો હતો.
આના પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જવાબ આપતા કહ્યું, “અમારી પાસે અસલી મિસ્ટર બીન ભલે ન હોય પરંતુ અમારી ખેલદિલી અસલી છે અને અમે પાકિસ્તાનીઓને વાપસી કરવાની રસપ્રદ આદત છે. રાષ્ટ્રપતિ જી, તમને અભિનંદન… તમારી ટીમે આજે શાનદાર રમત રમી છે.”
આ મામલો પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેના ફેન્સ વચ્ચે જૂના વિવાદ સાથે સંબંધિત છે જ્યારે પાકિસ્તાનનો એક કલાકાર કથિત રીતે વાસ્તવિક ‘મિસ્ટર બીન’ તરીકે ઝિમ્બાબ્વે ગયો હતો. મિસ્ટર બીન બ્રિટિશ અભિનેતા રોવાન એટકિન્સનના કોમેડી શોનું મુખ્ય પાત્ર છે જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.
પાકિસ્તાની કોમેડિયન આસિફ મોહમ્મદ મેક-અપ કરીને આ પાત્રની જેમ વર્તે છે. જો સોશિયલ મીડિયા પરની ચર્ચાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ઝિમ્બાબ્વેમાં તેણે પોતાની ઓળખ અસલી મિસ્ટર બીન તરીકે આપી હતી. આને લઈને બંને દેશના ચાહકો વચ્ચે વિવાદ થયો હતો.
મેચ પહેલા એક પ્રશંસકે પીસીબીના ટ્વીટ પર લખ્યું હતું કે “ઝિમ્બાબ્વે તમને ક્યારેય માફ નહીં કરે, તમે એકવાર રોવાન એટકિન્સનની જગ્યાએ એક ફ્રોડ પાકિસ્તાની મિસ્ટર બીનને અમારી પાસે મોકલ્યો હતો, અમે આવતીકાલે તેનો બદલો લઈશું, પ્રાર્થના કરો કે વરસાદ તમને બચાવે.”
Advertisement