Gujarat Exclusive > દેશ-વિદેશ > દાઉદ પર પાકિસ્તાનનો યુ-ટર્ન- ‘અમારા દેશમાં નથી અંડરવર્લ્ડ ડૉન’

દાઉદ પર પાકિસ્તાનનો યુ-ટર્ન- ‘અમારા દેશમાં નથી અંડરવર્લ્ડ ડૉન’

0
172
  • મોસ્ટ વૉન્ટેડ ડૉન દાઉદ મામલે પાકિસ્તાનનો નવો પેંતરો

  • FATFના બ્લેક લિસ્ટમાંથી બચવા માટે પાકિસ્તાનના હવાતિયાં શરૂ

ઈસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાને (Pakistan) સ્વીકાર્યું હતું કે, અંડરવર્લ્ડ ડૉન (Underworld Don) દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) તેમના દેશમાં છૂપાયો છે. જો કે હવે બોલ્યા બાદ ફરી જવાની પોતાની જૂની આદતની જેમ પાકિસ્તાને 24 કલાકની અંદર ફેરવી તોળ્યું છે. પાકિસ્તાને યુ-ટર્ન લઈને દાઉદની પોતાના દેશમાં હાજરીને સત્તાવાર નકારી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે મોસ્ટ વૉન્ટેડ ડૉન દાઉદની પાકિસ્તાનમાં હાજરીને નકારી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે, પાકિસ્તાન નવા પ્રતિબંધો લગાવી રહ્યું છે, જેમાં કોઈ સચ્ચાઈ નથી.

ભારતીય મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાને પોતાની જમીન પર દાઉદ સહિત કેટલાક મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિઓની હાજરીને સ્વીકારી છે. આ દાવો પણ પાયાવિહોણો અને ભ્રામક છે.

આ પણ વાંચો: ભાગેડુ બાબા નિત્યાનંદે લૉન્ચ કરી પોતાની કરન્સી અને ‘રિઝર્વ બેંક ઑફ કૈલાસા’

હકીકતમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફૉર્સ (FATF)ના ગ્રે-લિસ્ટથી બચવા માટે પાકિસ્તાને 88 આતંકવાદી સંગઠનો અને તેના મુખ્ય સુત્રધારોની એક યાદી જાહેર કરી છે. જેમાં તેમના પર પ્રતિબંધ મૂકવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ લિસ્ટમાં દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામેલ છે.

આમ કરીને પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે, ભારતનો વૉન્ટેડ અપરાધી તેમના દેશમાં જ છૂપાયો છે. ઈમરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ યાદીમાં દાઉદના નામની સાથે તેનું સરનામું વ્હાઈટ હાઉસ કરાંચી દર્શાવવામાં આવ્યું છે.

પાકિસ્તાન તરફથી આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધનો આદેશ 18 ઓગસ્ટથી જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન કાયમ દાઉદના પોતાના દેશમાં છૂપાયો હોવાની વાતનો ઈન્કાર કરતું આવ્યું છે.

પાકિસ્તાન તરફથી આ પ્રથમ વખત સત્તાવાર નિવેદન આવ્યું હતું કે, તે દાઉદ ઈબ્રાહિમને આશરો આપી રહ્યાં છે. આ બાબતનો સ્વીકાર કરવા અને દાઉદના ઠેકાણાંને ઉજાગર કરવા પાછળ પાકિસ્તાનનો પેંતરો છે. વાસ્તવમાં આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે હવાતિયાં મારી રહ્યું છે.

પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જવાથી બચવા માંગે છે. પાકિસ્તાન નથી ઈચ્છતું કે, ઉત્તર કોરિયા અને ઈરાન બાદ તે પણ આ લિસ્ટમાં સામેલ થનાર ત્રીજો દેશ બની જાય.