PAK vs ENG: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન (PAK vs ENG) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસના અંત સુધી 4 વિકેટ ગુમાવીને 506 રન બનાવી લીધા છે. બંને વચ્ચેની આ મેચ પાકિસ્તાનના રાવલપિંડીમાં રમાઈ રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈ ટીમે પહેલા જ દિવસે 500 રનનો આંકડો પાર કર્યો હોય. ઈંગ્લેન્ડની આ ઈનિંગમાં કુલ ચાર સદી સામેલ હતી.
આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરતા ઘણી ટીમો એક દિવસમાં 500 રનના આંકડાની નજીક પહોંચી શકી છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ સામેલ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 1910માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં 496 રન બનાવ્યા હતા. તે મેચ સિડનીમાં રમાઈ હતી.
આ પછી ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર સાઉથ આફ્રિકા સામે રમતા 482 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. આ મેચ 2012માં એડિલેડમાં રમાઈ હતી.
1934માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે બેટિંગ કરતા એક દિવસમાં 475 રન બનાવ્યા હતા. 1936માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે બેટિંગ કરતા 471 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. આ મેચ ઓવલ ખાતે રમાઈ હતી.
ઈંગ્લેન્ડ તરફથી ચાર સદી
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. તેમાં ઓપનર જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ અને હેરી બ્રુક સામેલ હતા. ઓપનર આવેલા જેક ક્રોલીએ 111 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી. તેના સાથી બેટ્સમેન બેન ડક્ટે 110 બોલમાં 107 રન બનાવ્યા હતા.
વિકેટ કીપર બેટ્સમેન ઓલી પોપે 104 બોલમાં 108 રન બનાવ્યા હતા. આ સિવાય પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા હેરી બ્રુકે પ્રથમ દિવસના અંત સુધીમાં 81 બોલમાં 101* રન બનાવ્યા છે. બ્રુકની ઇનિંગ્સમાં કુલ 14 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.