Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશીપને લઈને ભડકો! કોહલી-ગાંગુલીના નિવેદન વિરોધાભાસી

ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશીપને લઈને ભડકો! કોહલી-ગાંગુલીના નિવેદન વિરોધાભાસી

0
4

મુંબઈ : ટી-20ની કેપ્ટન્સી છોડયા બાદ ભારતીય વન ડે ટીમ કેપ્ટન તરીકે હટાવી દેવાયેલા વિરાટ કોહલીએ બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીના નિવેદનને નકારી કાઢતાં ભારે વિવાદ સર્જાયો છે. બીસીસીઆઇ પ્રમુખ ગાંગુલી અને વ્હાઈટબોલનો ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચેનો ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે.

ગાંગુલીએ અગાઉ કહ્યું હતુ કે, અમે કોહલીને ટી-20ની કેપ્ટન્સી ના છોડવા માટે કહ્યું હતું, પણ તે ના માન્યો અને તેણે ધરાર સૌથી ટૂંકા ફોર્મેટમાંથી કેપ્ટન્સી છોડી દીધી. જે અંગે વિરાટ કોહલીએ કહ્યું છે કે, મને ટી-20ની કેપ્ટન્સી ના છોડવા માટે તો કોઈએ કહ્યું જ નહતું. ઉલ્ટાનું મારા ટી-20નું સુકાન છોડવાના નિર્ણયને બીસીસીઆઇએ સહર્ષ આવકાર્યો હતો. કોહલીના આ નિવેદન બાદ હવે બંનેમાંથી કોણ ખોટું બોલી રહ્યું છે ? તે અંગેની ચર્ચા ચાહકોમાં છેડાઈ છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિતના નામની જાહેરાત બાદ ખુલાસો કરતાં બીસીસીઆઇ પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતુ કે, કોહલીએ અમારી વાત ન માનીને ટી-20માંથી કેપ્ટન્સી છોડી, જે પછી પસંદગીકારોને લાગ્યું કે, વ્હાઈટબોલ ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટન્સની જરુર નથી. આ માટે અમે રોહિતને ટી-20 બાદ વન ડેનો કેપ્ટન બનાવ્યો છે.

જોકે હવે કોહલીએ તેના નિવેદનમાં ગાંગુલીના આ દાવાને ખોટો ઠેરવતા કહ્યું છે કે, જ્યારે મેં ટી-૨૦ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો અને આ અંગે બોર્ડને જાણ કરી. તો તેમણે મારા નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો હતો. તેમણે મારા નિર્ણયની વિરુદ્ધમાં મત વ્યક્ત કર્યો નહતો કે તેને સ્વીકારવામાં ખચકાટ પણ વ્યક્ત કર્યો નહતો. મને તો આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવાનું પણ કહેવાયું નહતું. મને કહેવામાં આવ્યું હતુ કે, તારો નિર્ણય પ્રગતિકારક અને યોગ્ય દિશામાં લીધેલા ડગલા સમાન છે.

ગાંગુલીએ એમ પણ કહ્યું હતુ કે, અમે કોહલીને વિશ્વાસમાં લઈને વન ડે ટીમના કેપ્ટન તરીકે દૂર કર્યો હતો. મેં તેની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. હવે કોહલીએ કહ્યું છે કે, વન ડે કેપ્ટન્સીમાંથી દૂર કરવા માટે મને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો તે અંગે જે કઈ કહેવાયું છે તે સંપૂર્ણ નથી. ટેસ્ટના સિલેક્શનના દોઢ કલાક પહેલા જ મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ચીફ સિલેક્ટરે ટેસ્ટ ટીમ અંગે ચર્ચા કરી અને ત્યાર બાદ ફોન મૂકતાં પહેલા જણાવ્યું કે, પાંચેય પસંદગીકારોએ સાથે મળીને તને વન ડે ટીમના કેપ્ટન તરીકે પડતા મૂકવાનું નક્કી કર્યું છે.

કોહલીએ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે મેં તેમને (બોર્ડને) કહ્યું કે, હું ટેસ્ટ અને વન ડેના કેપ્ટન તરીકે જારી રહેવા માંગુ છું. જો કે આ અંગે જો બોર્ડના હોદ્દેદારો અને પસંદગીકારાની સહમતી પણ જરુરી છે. મારે શું કરવું છે તે અંગે તો મેં સ્પષ્ટ રજુઆત કરી હતી. મેં તેમને વિકલ્પ આપ્યા હતા. જો તેમને લાગે તો મને ટેસ્ટ અને/અથવા વન ડેના કેપ્ટન તરીકે દૂર કરી શકે. નિર્ણય તેમને લેવાનો હતો.

દરમિયાનમાં કોહલી અને રોહિત વચ્ચેના ટકરાવ અંગે રમત મંત્રી અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોઈ રમતથી મોટું કોઈ નથી. હું તમને કોઈ આંતરિક માહિતી આપી શકું નહીં કારણ કે તે કામ જે તે ફેડરેશનનું છે. આ મામલે તે રમતનું એસોસિએશન કે ફેડરેશન પગલાં લે તે બધાના હિતમાં છે.

ગાંગુલી Vs કોહલી

ગાંગુલીએ કહ્યું કે, ‘અમે કોહલીને ટી-૨૦ની કેપ્ટન્સી ના છોડવા માટે વિનંતી કરી હતી, પણ તે ના માન્યો અને તેણે કેપ્ટન્સી છોડી દીધી. પસંદગીકારોને લાગ્યું કે, વ્હાઈટબોલ ક્રિકેટમાં એક જ કેપ્ટન હોવો જોઈએ એટલે રોહિતને ટી-20 બાદ વન ડેનો કેપ્ટન બનાવ્યો.’

કોહલીએ કહ્યું કે, મને ટી-20ની કેપ્ટન્સી ના છોડવાનું તો કહેવામાં આવ્યું જ નહતું. મેં જ્યારે આ નિર્ણય બોર્ડને જણાવ્યો ત્યારે તેમણે તેનું સહર્ષ સ્વાગત કર્યું હતુ. તેમણે ખચકાટ પણ દર્શાવ્યો નહતો કે મને ફેરવિચાર કરવા પણ કહ્યું નહતું. મારા આ નિર્ણય પ્રગતિકારક પગલાં તરીકે ઓળખાવ્યો હતો.

ગાંગુલીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતુ કે, કોહલીને વિશ્વાસમાં લઈને તેને વન ડે ટીમના કેપ્ટન તરીકે દૂર કરવામાં આવ્યો છે. બીસીસીઆઇના પ્રમુખ તરીકે મેં અને ચીફ સિલેક્ટરે તેની સાથે વ્યક્તિગત વાત કરી હતી.

કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને ખુલાશો કર્યો હતો કે, કોમ્યુનિકેશન અંગે જે કંઈ કહેવાયું તે સંપૂર્ણ નથી. મને ટીમ સિલેક્શનના દોઢ કલાક પહેલા ફોન આવ્યો હતો. ચીફ સિલેક્ટરે ટેસ્ટ ટીમ અંગે ચર્ચા કરીને ફોન મૂકતાં પહેલા કહ્યું કે, અમે સહમતીથી તને વન ડે ટીમના કેપ્ટન તરીકે પડતો મુકવાનો નિર્ણય લીધો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat