Gujarat Exclusive > ગુજરાત > ગુજરાત સરકારની એકને ગોળ તો એકને ખોડની નીતિ: CPS રેસિડેન્ટ તબીબોમાં રોષ

ગુજરાત સરકારની એકને ગોળ તો એકને ખોડની નીતિ: CPS રેસિડેન્ટ તબીબોમાં રોષ

0
162

વિશાલ મિસ્ત્રી: કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે તો બીજી બાજુ ગુજરાત સરકારની નીતિ સામે તબીબી આલમમાં રોષ ફેલાયો છે.કોરોના કાળમાં રાજ્યના અંતરિયાળ આદીવાસી વિસ્તારોની વિવિધ સરકારી હોસ્પિટલોમા સેવા આપતા CPS રેસિડેન્ટ તબીબોમાં સ્ટાઈપેન્ડ મામલે રોષની લાગણી ફેલાઈ છે.ગુજરાત સરકાર CPS રેસિડેન્ટ તબીબોના વિવિધ પ્રશ્નો હલ કરે એવી માંગ ઉઠી છે.

ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશિયન & સર્જન (CPS) મુંબઈ દ્વારા સંચાલિત પી.જી.ડિપ્લોમા કોર્ષ રાજ્યની ડિસ્ટ્રીકટ તેમજ CHG તથા પ્રાઇવેટ હોસ્પિટલોમા 2018 થી ચાલે છે.આ કોર્ષ અંતર્ગત 600 થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો રાજ્યના આદીવાસી વિસ્તારોની CHC, PHC અને જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે, જેના મેહેનતાણા રૂપે સરકાર એમને 25,000/- સ્ટાઈપેન્ડ આપે છે.હવે રેસિડેન્ટ ડૉક્ટરો જે ફી ભરે છે એમાંથી જ ગુજરાત સરકાર એમને સ્ટાઈપેન્ડ ચૂકવે છે અને એ સ્ટાઈપેન્ડમાં વર્ષ 2018 થી આજ દિન સુધી સરકારે કોઈ વધારો કર્યો જ નથી.એની સામે ગુજરાતની મેડિકલ કોલેજોમાં ચાલતા પી.જી.ડિપ્લોમા અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોકટરોને સરકાર મહિને 63,000/- રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવે છે, દર વર્ષે એ સ્ટાઈપેન્ડમાં સરકાર દ્વારા વધારો પણ કરવામાં આવે છે હાલમાં સરકારે 40% સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે CPS રેસિડેન્ટ તબીબો પણ ડિપ્લોમા રેસિડેન્ટ તબીબો જેટલી જ કામગીરી કરે છે.અને હાલના કોરોના કાળમાં તો C.P.S રેસિડેન્ટ તબીબો સરાહનીય કામગીરી કરી રહ્યા છે તો બન્નેવ તબીબોના સ્ટાઈપેન્ડમાં આટલુ મોટું અંતર કેમ એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.અન્ય તબીબી સ્ટાફના સ્ટાઈપેન્ડની જો વાત કરીએ તો N.P.M માં ફરજ બજાવતા સ્ટાફને 40000 રૂપિયા, C.H.O ને 35000 રૂપિયા તથા રાજ્યના વર્ગ-4 ના કર્મચારી પટાવાળાને 32000 રૂપિયા, વર્ગ-3 સ્ટાફ નર્સને 31000 રૂપિયા ચુકવવામાં આવે છે.તો એની સામે C.P.S રેસિડેન્ટ તબીબોને 25000 રૂપિયા જ સ્ટાઈપેન્ડ કેમ?

આ પણ વાંચો: ગુજરાત પોલીસનો સપાટો: રાજયમાંથી 53 બોગસ ડોકટરો પકડી પાડયા

અહીંયા એ નોંધવું રહ્યું કે C.P.S રેસિડેન્ટ તબીબોએ આવા જ અનેક પ્રશ્નો બાબતે 06/05/2021 ના રોજ રાજ્યના આરોગ્ય કમિશનરને રજુઆત પણ કરી હતી, તે છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય C.P.S ડૉક્ટર્સ એસોસિએશને 17/05/2021 થી સામુહિક હડતાળનું આયોજન પણ કર્યું હતું પરંતુ કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાને લઈ હડતાળ મોકૂફ રાખી હતી.તે છતાં ગુજરાત સરકારે કોઈ નિરાકરણ ન લાવતા C.P.S ડૉક્ટર્સ એસોસિએશને 20/05/2021 ના રોજ સામુહિક હડતાળ પર ઉતરી પડ્યા હતા, જેથી સ્થિતિ વધુ વિકટ બનતા આરોગ્ય વિભાગના અધિક નિયામકે એસોસિએશનના હોદ્દેદારોને 02/06/2021 ના રોજ રૂબરૂ મિટિંગ માટે બોલાવ્યા છે.જો એ બેઠકમાં C.P.S ડૉક્ટર્સના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો તેઓ ફરી તેઓ પાછા હડતાળના મૂડમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની એકને ગોળ અને એકને ખોડની નીતિ સામે C.P.S ડૉક્ટર્સમાં રોષ ફેલાયો છે તો હવે સરકાર શુ નિર્ણય લે છે એ જોવું રહ્યુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat