ઉત્તરાયણ પર્વ સાથે કમુરતા ઉતરતાં લગ્ન સહિત માંગલિક પ્રસંગો શરૂ થયા છે ત્યારે કોરોના સંક્રમણ વધી જતાં ગામે ગામ અને શહેરી વિસ્તારોમાં લગ્ન પ્રસંગોના આયોજકો અને પરિવારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. પાટણ જિલ્લામાં તમામ જ્ઞાતિઓમાં નવા તેમજ અગાઉના બાકી લગ્ન પ્રસંગ પોષ અને મહા મહિનામાં રાખ્યા હતા પરંતુ તેમાં બાધા આવી છે.
અંદાજે 1500થી વધુ લગ્ન પ્રસંગો પૈકી મોટાભાગના પ્રસંગો સાદગીપૂર્વક કરી દેવાશે.10થી 20 ટકા જેટલા પ્રસંગો મુલતવી રહેશે અને કોરોના સંક્રમણ હળવું થશે તો આગામી મહિનાઓમાં ફરીથી આયોજન થાય તેવી શક્યતા છે.હાલની સ્થિતિમાં પાર્ટી પ્લોટ, મેરેજ હોલ માલિકો, કેટરર્સ, રસોયા મંડપ ડેકોરેટર્સ સહિતના તમામ વ્યવસાયકારો રોજગારીને ફટકો પડવાની સંભાવનાથી પરેશાન છે.
લગ્ન પત્રિકા બજારમાં હવે પછીના દિવસોમાં કોરોના સંક્રમણ ચાલુ રહેશે તો આગામી પ્રસંગો માટેની કંકોત્રી છપાવવામાં કાપ આવી શકે છે .મોટાભાગની લગ્ન પત્રિકા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પહેલા તૈયાર કરાવી દેવાઈ છે પરંતુ હવે પછી જે મુરતો આવી રહ્યા છે તે પ્રસંગો માટે એડવાન્સમાં કરવામાં આવેલ સ્ટોરેજ અંગે વિચાર કરવો પડશે તેમ ભાવેશભાઈ ભોજક તે જણાવ્યું હતું.
પાટણના કર્મકાંડી વિદ્વાન ભૂદેવ દિલીપભાઈ આચાર્યના જણાવ્યા મુજબ કોરોનાના કારણે ઘણા લગ્ન કેન્સલ થઈ રહ્યા છે. લગ્નના મુહૂર્તો છે પરંતુ સરકારની 150 માણસોની ગાઈડ લાઈનમાં લગ્ન કરવા પડે તેમ હોવાથી કેટલાક લોકો પ્રસંગે મુલતવી રાખી રહ્યા છે. કર્મકાંડી પંડિતવર્તુળના અહેવાલ મુજબ જિલ્લામાં 200થી 300 જેટલા લગ્ન પ્રસંગ કેન્સલ થઈ શકે છે.પાટણ શહેરમાં 500થી વધુ કર્મકાંડી બ્રાહ્મણો લગ્ન પ્રસંગ વગેરે માંગલિક કાર્યોમાં રોજી મેળવતા હોય છે તેમને ફટકો પડશે. જિલ્લામાં અંદાજે 1500થી વધુ લગ્ન પ્રસંગના આયોજન 2-3 માસમાં કરવામાં આવેલાં છે.
કરીયાણા બજાર ના વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સના પાટણના પ્રતિનિધિ સુરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ લગ્ન પ્રસંગમાં 70થી 80 ટકા મુકાઈ જતા અને મોટા રસોડા 200 માણસોમાં ફેરવાઈ જતાં કરિયાણા બજારમાં લગ્ન-પ્રસંગના વેપારમાં 70 ટકા જેટલી ઘટ પડશે. કેટલાક વેપારીઓ ને એડવાન્સમાં ચોખા દાળ તેમજ અન્ય સામગ્રી સ્ટોરેજ કરી રાખવી પડે છે તે પડી રહેશે.
રસોઈના ઓર્ડર કેન્સલ થયા,રોજગારી પણ ઘટશે કેટરર્સ રણછોડભાઈ પટેલ તેમજ મનુભાઇ રાવલના જણાવ્યા મુજબ શહેરના રસોયા બજાર એસોસિએશનમાં 80 જેટલા કારીગરો પાસે દરેકને ૪ થી ૫ ઓર્ડર બિલકુલ કેન્સલ થયા છે. મોટાભાગે રસોડાની સંખ્યા 100થી 150 માણસોની કરી દેવી પડી છે. કોરોના સંક્રમણ શરૂ થયા પહેલા 5000 માણસોના મોટા ઓર્ડર પણ હતા પરંતુ તે કેન્સલ થયા છે. રસોઈમાં રસોઈ સાથે અન્ય ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં રોજગારી મેળવી રહ્યા છે તેમાં કાપ મૂકાશે. 15 થી 20 માણસોના બદલે 8થી 10 માણસોને રોજગારી આપી શકાશે.