Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીનો બુધવારથી પ્રારંભ

ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીનો બુધવારથી પ્રારંભ

0
83
  • રાજયની ડિગ્રી એન્જીનીયરીંગ, ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી કોલેજ માટે લેવાતી પરીક્ષા

  • ગુજકેટમાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાવવાનો અનુમાન

ગાંધીનગર: રાજ્યની ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજો તેમજ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીનો બુધવારથી પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે અત્યારે બોર્ડ દ્વારા ગુજકેટની તારીખ જાહેર કરાઇ નથી. પરંતુ સંભવત બોર્ડ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પુર્ણ થયા બાદ ગુજકેટની પરીક્ષા લે તેવી શક્યતા દેખાઇ રહી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી 30 જૂન સુધી ચાલશે. ત્યારબાદ બોર્ડ દ્વારા આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ વખતે ગુજકેટમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા તેવો અંદાજ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ-12 સાયન્સના એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજકેટની પરીક્ષા માટે માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્રો ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજકેટની પરીક્ષાના આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જૂનના રોજ બપોરના 12-30 કલાકથી 30 જૂન સુધી ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટેની ફી રૂ. 300 ઓનલાઈન ભરવાની રહેશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું છે. હાલમાં બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સંભવત જુલાઈમાં યોજાનારી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પુર્ણ થાય ત્યારબાદ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને ધોરણ-10, 11 અ 12ની પરીક્ષાના ગુણના આધારે પરિણામ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી દીધી હોવાથી હવે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. આ વખતે પ્રવેશ માટે ગુજકેટનું વેઈટેજ જે અત્યાર સુધી 40 ટકા હતું તેમાં પણ વધારો કરવામાં આવી શકે છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat