Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પ્રથમ ગ્રાસે મક્ષિકા: સર્વરનો પ્રશ્ન ઊભો થતા વિદ્યાર્થીઓ હેરાન થયા

પ્રથમ ગ્રાસે મક્ષિકા: સર્વરનો પ્રશ્ન ઊભો થતા વિદ્યાર્થીઓ હેરાન થયા

0
83
  • ધો.3થી 12ની વોટ્સએપ આધારિત પરીક્ષાનો પ્રથમ દિવસ હતો

  • અનેક વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત રહ્યાં

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ આધારીત પરીક્ષા લેવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. આજે શનિવારે પ્રાયોગિક ધોરણે લેવામાં આવેલી આ પરીક્ષામાં સર્વરનો પ્રશ્ન ઊભો થયો હતો, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. ઉપરાંત યુ ડાયસ કોડ પણ વિદ્યાર્થીઓને ખબર ન હોવાને લીધે પરીક્ષા આપી શક્યા ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાયોગિક ધોરણે લેવામાં આવનારી આ પરીક્ષામાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેના નિરાકરણ માટે વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા અને આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત હાલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેઓ આગામી દિવસોમાં પણ આ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ આધારીત સાપ્તાહિક પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને એક નંબર આપવામાં આવ્યો હતો તે નંબર પર હેલો લખીને મેસેજ મોકલ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓએ શાળાનો યુ ડાયસ કોડ મોકલવાનો રહે છે અને ત્યાર બાદ વિદ્યાર્થીએ પોતાનું નામ અને ધોરણ જણાવવાનું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો: ગીરના ચીખલી ગામે બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ

શનિવારના રોજ પ્રાયોગિક ધોરણે ધો-3 ગુજરાતી, ધો-4 ગુજરાતી અને ધો-5માં ગુજરાતી તથા પર્યાવરણની 10 બહુવિકલ્પી પ્રશ્નો આધારીત વોટ્સએપ બેઈઝ પરીક્ષા લેવામાં આવનાર હતી. જોકે, આ પરીક્ષા માટે પ્રયત્ન કરતા અનેક વિદ્યાર્થીઓને નિરાશા સાંપડી હતી. શરૂઆતમાં સર્વરનો પ્રશ્ન ઉપસ્થિત થતાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે તેમને સ્કૂલનો યુ ડાયસ કોડ જ ખબર ન હતી. જેથી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. જેના લીધે તેઓ પણ પરીક્ષાથી વંચિત રહ્યા હતા.

આમ, વિભાગ દ્વારા વોટ્સએપ બેઈઝ પરીક્ષામાં પડતી મુશ્કેલીઓ જોવા માટે જ પ્રાયોગિક ધોરણે માત્ર ધોરણ-3થી 5ની જ પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું. જેમાં સર્વરનો પ્રશ્ન આવતા તેનું નિરાકરણ લાવવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ બપોર સુધીમાં તે પ્રશ્ન સોલ્વ કરી દેવાયો હોવાનું પણ જાણવા મળે છે. ઉપરાંત યુ ડાયસ કોડને લઈને પણ વિભાગ દ્વારા કામગીરી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. આમ, આગામી દિવસોમાં લેવામાં આવનારી વોટ્સએપ બેઝ્ડ પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે હાલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમના માટે આગામી દિવસોમાં પણ પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: 24 જાન્યુઆરીથી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ કરાશે

કયારે કયા ધોરણના કયા વિષયની પરીક્ષા યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે 30 જાન્યુઆરીના રોજ ધો-3, 4 અને 5માં ગણિતની પરીક્ષા લેવાશે. જયારે ધો-6, 7 અને 8માં ગુજરાતી અને ગણિત જ્યારે ધો-9, 10માં વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ ધો-3, 4માં પર્યાવરણ, ધો-5માં અંગ્રેજી અને હિન્દી, ધો-6,.7 અને 8માં હિન્દી અને વિજ્ઞાન, ધો-9 અને 10માં ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા વખતે કોઈ જ મુશ્કેલી ન આવે તે માટેની તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9