અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મૈત્રીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનું સાક્ષી બન્યું હતું. બન્ને દેશ વચ્ચે ટેસ્ટમેચની શરૂઆત નિમિત્તે આવો ભવ્ય સમારોહ અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે તેમનું સ્વાગત કર્યું હતું.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બનીસ અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે PM નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બનીસે આજથી શરૂ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત સાથે બેસીને નિહાળી હતી.
PM નરેન્દ્ર મોદીએ મેચની શરૂઆત પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડ – ઈન કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ રોહિતને અને અલ્બનીસે સ્ટીવ સ્મિથને કેપ પહેરાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ તમામ ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો. PM મોદીએ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે કેપ્ટન અને બે PMનો ઐતિહાસિક ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. PM મોદી અને અલ્બનીસે ગોલ્ફ કારમાં સવાર થઈને મેદાનની મુલાકાત પણ લીધી હતી.
PM મોદી અને એન્થની અલ્બનીસ ચાની ચુસ્કી લેતાં લેતાં મેચની મઝા માણતા નજરે પડ્યા હતાં. એટલું જ નહીં ક્રિકેટ મૈત્રીના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે બન્ને નેતા સ્ટેડિયમમાં એકબીજાની સાથે સેલ્ફી લેતાં પણ જણાયા હતાં. આ દરમિયાન બન્ને નેતાઓમાં પરસ્પર સદભાવપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વ્યવહાર જોવા મળ્યો હતો. બન્ને નેતાઓ રથમાં સવાર થઈને મેદાન પર પહોંચ્યા ત્યારે હજારો ક્રિકેટરસિકોએ તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
Advertisement