Gujarat Exclusive > દેશ-વિદેશ > વિશ્વના અનેક દેશોમાં લાગું છે ‘One Nation-One Election’, ભારતમાં ક્યારે?

વિશ્વના અનેક દેશોમાં લાગું છે ‘One Nation-One Election’, ભારતમાં ક્યારે?

0
45

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું સમર્થન કરી રહ્યા છે. આ મામલે તેઓ ચૂંટણી પંચ (Election Commission), નીતિ આયોગ (Niti Aayog) અને સંવિધાન સમીક્ષા આયોગ સાથે વાતચીત કરી ચૂક્યા છે.

કેટલીક રાજકીય પાર્ટીઓને તેનું સમર્થન કરે છે, પરંતુ મોટા ભાગની રાજકીય પાર્ટીઓ તેનો વિરોધ પણ કરી રહી છે. આથી એક વાત તો નક્કી છે કે, જ્યાં સુધી આ બાબતે તમામ પાર્ટીઓ વચ્ચે સહમતિ ના સધાય, ત્યાં સુધી તેને અમલમાં મૂકવું અશક્ય છે. જોકે, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને તેમા સામેલ કરવાની વાત નથી.

એક દેશ-એક ચૂંટણી કેમ જરૂરી?
લોકતંત્રનું પ્રથમ પગથીયું ચૂંટણી છે, પરંતુ ભારત (India) જેવા મોટા દેશમાં એક જ સમયે નિષ્પક્ષ ચૂંટણી કરાવવી મોટો પડકાર છે. દેશમાં સરેરાશ દરવર્ષે કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણી થતી રહે છે. સતત ચૂંટણી રહેતી હોવાના કારણે દેશ હંમેશા ઈલેક્શન મોડ (Election Mode) પર જ રહે છે. આજ કારણે વહીવટી અને નીતિગત નિર્ણયો લેવામાં વિપરિત અસર થાય છે. આ સાથે જ દેશ પર મોટુ આર્થિક ભારણ પડે છે. જેને રોકવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાનો વિચાર કરવામાં આવ્યો છે.

દેશમાં અગાઉ પણ 4 વખત એક સાથે યોજાઈ છે ચૂંટણી
એક દેશ એક ચૂંટણી કોઈ નવી વાત નથી. વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ ચૂકી છે. જો કે આ પરંપરા 1968-69માં તૂટી ગઈ હતી. જ્યારે કેટલાક રાજ્યોની વિધાનસભા સમય કરતા પહેલા ભંગ કરવામાં આવી. જો કે કેટલાક જાણકારો કહે છે કે, દેશની વસ્તી એટલી વધી ગઈ હોવાથી એક સાથે ચૂંટણી યોજવી અસંભવ બની હતી.

આ ઉપરાંત એ તર્ક પણ સામે આવ્યો છે કે, દેશની વસ્તી સાથે જ ટેક્નોલોજીનો પણ વિકાસ થયો છે. આથી એકસાથે ચૂંટણી યોજાવી જોઈએ.

“એક દેશ-એક ચૂંટણી”ના સમર્થનમાં દલીલો
અવાર-નવાર આદર્શ આચાર સંહિતા લાગુ નહી કરવી પડે. નીતિગત નિર્ણયો લેવામાં સરળતા રહેશે. વિકાસના કાર્યો પ્રભાવિત નહીં થાય. નવા પ્રોજેક્ટ્સની જાહેરાત ઓછા સમય માટે જ અટકશે.

વારંવાર થનારા ચૂંટણી ખર્ચમાં મોટો ઘટાડો આવશે. વારેવારે ચૂંટણી કરાવવાથી દેશની આર્થિક સ્થિતિ કથળે છે. સરકારી ખજાના પર પણ વધારાનો ભાર નહી પડે. એક સાથે ચૂંટણી યોજાવાથી કાળાનાણાં અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં મદદ મળશે. કારણ કે, ચૂંટણી દરમિયાન કાળાનાણાંનો (Blackmoney) ઉપયોગ ખુલ્લેઆમ થાય છે.

અવાર-નવાર ચૂંટણી કરાવવાથી રાજનેતાઓ અને પાર્ટીઓને સામાજિક એકતા ભંગ કરવાનો અને શાંતિ ડહોળવાની તક મળી જાય છે. જેથી કારણવિના તંગદિલી છવાય છે. એક સાથે ચૂંટણી કરાવવાથી સરકારી કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને અવારનવાર ચૂંટણી ફરજ (Election Duty) પર મૂકવાની જરૂરત નહીં પડે. જેથી તેઓ પોતાના નક્કી કામને યોગ્ય સમયમાં પૂર્ણ કરી શકશે.

“One Nation-One Election”ના વિરોધી તર્ક
બંધારણમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને 5 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બંધારણ તરફથી લોકસભા અને વિધાનસભા ચૂંટણી (Assembly Election) એક સાથે યોજવાને લઈને કોઈ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આજ આધાર પર તર્ક કરવામાં આવે છે કે, એક સાથે ચૂંટણી યોજવી લોકતંત્રની મૂળ ભાવનાની વિરૂદ્ધમાં છે.

એક દેશ, એક ચૂંટણી એક મોંઘી પ્રક્રિયા છે. આયોગનું માનીએ તો, જો એકસાથે ચૂંટણી યોજીશું તો, 4,500 કરોડ રૂપિયાના નવા EVM 2019માં જ ખરીદવા પડશે. 2024માં એક સાથે ચૂંટણી યોજવા માટે 1751.17 કરોડ રૂપિયા માત્ર EVM પાછળ ખર્ચ કરવા પડશે.

કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારોને (State Governments) આર્ટિકલ 356 અંતર્ગત ભંગ કરવાનો અધિકાર છે. આ અધિકાર હોવાને કારણે એક સાથે ચૂંટણી ના કરાવી શકાય. લોકસભા અને વિધાનસભામાં ચૂંટણીઓ એક સાથે કરાવવાથી કેટલીક વિધાનસભાઓ વિરૂદ્ધ તેમના કાર્યકાળને વધારી કે ઘટાડી શકાશે. જેથી રાજ્યની સ્વાયત્તતા પ્રભાવિત થશે.

એકસાથે ચૂંટણી યોજાવાથી રાષ્ટ્રીય મુદ્દાઓ સામે સ્થાનિક મુદ્દા નાના બની જાય અથવા તેનું ઉલ્ટુ પણ થઈ જાય, તેવી સંભાવના છે. રાષ્ટ્રીય પાર્ટીઓનો વિસ્તાર વધચો જશે અને પ્રાદેશિક પાર્ટીઓનું પ્રભુત્વ ઘટતું જશે.

આ દેશોમાં એકસાથે યોજાય છે ચૂંટણી
ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, સ્પેન, હંગેરી, સ્લોવેનિયા, અલ્બાનિયા, પોલેન્ડ, બેલ્જિયમમાં પણ એક સાથે ચૂંટણી યોજાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat