Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > જેટ એરવેઝ બાદ વધુ એક કંપની ફડચામાં, પગાર આપવા નથી રૂપિયા

જેટ એરવેઝ બાદ વધુ એક કંપની ફડચામાં, પગાર આપવા નથી રૂપિયા

0
387

દેશની તમામ સરકારી કંપનીઓની નાણાંકિય હાલત દિનપ્રતિદિન કફોડી થતી જઈ રહી છે. અમુક કંપનીઓ એટલી નાણાંકીય ભીડમાં છે કે, તેની પાસે કર્મચારીઓનો પગાર આપવાના પણ રૂપિયા નથી. બીએસએનએલ, એમટીએનએલ, એર ઈન્ડિયા, ઈન્ડિયા પોસ્ટ બાદ વધુ એક સરકારી વિમાન કંપની પવન હંસમાં કામ કરતા કર્મચારીઓ પર પગારનું સંકટ તોળાઈ રહ્યું છે. કંપનીને ગત નાણાંકિય વર્ષમાં 89 કરોડ રૂપિયાનું નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે.

કરોડો રૂપિયાનું દેવું

પવનહંસ હેલિકૉપ્ટર ચલાવે છે. કંપની ઉપર હાલ કરોડો રૂપિયાનું દેવું છે. જેના કારણે એપ્રિલ મહિનામાં કંપની પોતાના કર્મચારીઓને પગાર ચૂકવામાં પણ અસમર્થ છે. આ અંગે કંપનીએ પોતાના કર્મચારીઓને એક સેક્યુલર મોકલી આપ્યો છે.

230 કરોડ રૂપિયાનું દેવું
કંપની પર 230 કરોડ રૂપિયા ઉપરાંત અન્ય અનેક દેવા દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે આગામી સમયમાં કંપનીની હાલત વધારે કફોડી બનવાનો ભય છે. કોશિષ કરવામાં આવી રહી છે કે, કોઈ પણ રીતે ફંડ એકત્ર કરવામાં આવે. જેથી કરીને કર્મચારીઓને પગાર ચૂકવીને બીજા કામો પણ કરી શકાય. એવા પણ સંકેત મળી રહ્યા છે કે, પવનહંસ સિવાય અન્ય એક પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીની નાણાંકિય સ્થિતિ જલ્દી કથળી શકે છે.

કર્મચારીઓને ઘર ચલાવવાની ચિંતા
પવનહંસની આર્થિક સ્થિતિ કથળતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ઘર ચલાવવાની ચિંતા શરૂ થઈ ગઈ છે. કંપનીના કર્મચારીઓનું કહેવું છે કે, જો સમયસર પગાર નહીં મળે, તો અમારા બાળકોની સ્કૂલ ફી, ઈએમઆઈ સહિત ઘરના અન્ય ખર્ચા ચલાવવામાં ભારે પરેશાની થશે. જેની ભરપાઈ સરકાર કે પછી કંપની કેવી રીતે કરશે. કંપનીની ભૂલની અસર તેમના પરિવારના જીવન પર પણ પડશે.

આ અંગે પવનહંસના કર્મચારીઓનું કહેવું છે કે, હવે કંપની ડૂબવા લાગી છે, તો અમારૂ શું થશે? અમને પગાર કોણ આપશે? આ સમસ્યા જો વધશે, તો કર્મચારીઓ કોર્ટમાં જવા અંગે પણ વિચારી રહ્યાં છે.

કંપનીએ ટેક્નિકલ સ્ટાફના સિવાયના તમામ કર્મચારીઓનો ઓવરટાઈમ બંધ કરી દીધો છે. હવે ઓવરટાઈમ માટે પણ કોઈ કર્મચારીને રૂપિયા નથી મળી રહ્યાં. દેશમાં પવનહંસના અનેક હેલિપોર્ટ છે, જેનાથી કોઈ પણ પ્રકારની કમાણી નથી થઈ રહી. ચૂંટણી દરમિયાન પણ ખાનગી કંપનીઓના હેલિકૉપ્ટર બુક થયા છે. પવનહંસના મોટાભાગના હેલિકૉપ્ટર એમના એમ જ પડી રહ્યાં છે.

હાલ જેટ એરવેજ જેવી સ્થિતિ
કેન્દ્ર સરકાર છેલ્લા એક વર્ષથી આ કંપનીને વેચવાની કોશિષ કરી રહી છે, પરંતુ આ કંપનીને ખરીદનારો કોઈ પણ મળ્યું નથી. હવે ખર્ચા ઓછા કરવા માટે કંપનીએ આકરા પગલા ભરવાનું શરૂ કર્યું છે.