કરમસદમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સંત કૃપા મકાનમાં સાપ ઘૂસી ગયાનો મેસેજ મળતા સત્યમ ફાઉન્ડેશનના શૈલેષ માછી , કુણાલ પટેલ અને ઉમેશ પટેલ સ્થળ પર દોડી ગયા હતા . જયાં મકાનની બાજુમાં આવેલા તબેલા પાસે છૂપાયેલા સાપનું રેસ્કયુ કરાયું હતું . જોકે , આ સાપ સો સ્કેલ્ડ વાયપર ( રસો ) હોવાની ઓળખ થઇ હતી , જે રણપ્રદેશમાં જોવા મળે છે અને અત્યંત ઝેરી આ સાપના એક દંશ મૃત્યુ માટે પૂરતો છે.
નોંધનીય છે કે સત્યમ ફાઉન્ડેશન વોલેન્ટીયર્સ દ્વારા રેસ્ક્યુ કરાયેલા આ સાપને માનવ વસ્તીથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો .આ અંગે સંસ્થાના કાર્યકર કૃણાલ પટેલે જણાવ્યું હતું કે , આ સાપ સો સ્કેલ્ડ વાઇપર છે , જેને ગુજરાતીમાં ફુરસો , પૈડકુ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં જોવા મળતા અત્યંત ઝેરી ચાર પ્રજાતિ પૈકીની એક પ્રજાતિનો આ સાપ છે . ખૂબ નાનો સાપ હોવા છતાં અને ઝેરની માત્રા પણ ઓછી ઠાલવતો હોવા છતાં તેના ઝેરની તીવ્રતાને લઇને આ સાપનો દંશ જીવલેણ છે. દેશમાં જે ચાર પ્રકારના ઝેરી સાપ છે તેમાં આ સાપના દંશ થકી સહુથી વધુ વ્યક્તિઓ મરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા કિસ્સામાં તેના દંશ થકી માણસ તાત્કાલિક મરતો નથી પરંતુ 24 કલાકથી 20 દિવસ સુધીમાં મૃત્યુ પામે છે. જો યોગ્ય સારવાર મળે તો દર્દી બચી જાય છે. આ સાપના દંશની યોગ્ય સારવાર ન મળે તો ધનુર થવાની સંભાવના પણ રહે છે, જેથી દર્દી મૃત્યુ પામી શકે છે. આ સાપના દાંત ખૂબ નાના હોય છે. આ સાપ હેમોટોક્સિક અસરો ઉપજાવતું વિષ ધરાવે છે.
કૃણાલ પટેલે આગળ જણાવતા કહ્યું હતું કે આ સાપ દિવસ દરમિયાન ખડકો, પાંદડાઓ કે મૂળિયાઓ નીચે પડ્યો રહે છે. સવારના નરમ તડકામાં કે ઠંડીનાં દિવસોમાં બપોરનાં સમય દરમિયાન તડકામાં પડ્યો રહેતો હોય છે . ભેજવાળા વરસાદી વાતાવરણમાં તે વધુ પ્રવૃત્ત અને આક્રમક હોય છે. તે ઝડપથી ચાલે છે ત્યારે તેનું શરીર સીધું ન રહેતાં ત્રાંસુ રહે છે. જયારે આ સાપને છંછેડવામાં આવે છે તો તે તરત જ આક્રમક બની જાય છે. આવા સમયે તે ચોક્કસ ગુંચળામાં ગોઠવાઇને શરીરનાં ભીંગડાં ઘસીને ચેતવણી આપે છે.
શરીર પડખેનાં બરછટ ભીંગડાંઓ એક બીજા સાથે ઘસવાથી કાચ પેપર ઘસાતું તેવો અવાજ ઉત્પન્ન થતો હોય છે. તેનાં અંગ્રેજી નામ મુજબ જોતાં Saw એટલે કરવત, Scale એટલે ભીંગડાં અથવા કરવતના દાંતાં. ટુંકમાં કરવતનાં દાંતા જેવા ભીંગડાં હોવાથી તે આવો અવાજ ઉત્પન્ન કરી શકે છે.