સુરત: સુરત પોલીસે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સવા કરોડના ગાંજાને જપ્ત કર્યો છે.
ઓડિસામાં રહેલા ગાંજાના કારોબારીઓએ પોતાની સુરત શહેરની નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું નેટવર્ક ઉભું કર્યું હતું. જોકે પોલીસને મળેલી બાતમીના આધારે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે રેડ કરી કરોડોની કિંમતના 1142.74 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે આ વખતે ઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો સુરતમાં લાવવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે સુરત ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે સ્થાનિક એસ.ઓ.જી.ને બાતમીના આધારે ટીમ બનાવીને સાંકી ગામ, લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલા શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204 માં રેડ પાડી હતી. પોલીસને રેડ દરમિયાન 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત સવા કરોડ રૂપિયા થાય છે, આ સાથે જ એક આરોપીને પણ પકડી લેવામાં આવ્યો હતો. પોલીસને ફ્લેટમાં 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. મહત્વનું છે કે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સમગ્ર ગાંજાનો જથ્થો બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહિં ઓડિસાના આરોપીઓ પાસે ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી,સુરત, વડોદરા,ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા વાયરસની એન્ટ્રી, કપ્પા વાયરસના 3 કેસ નોંધાયા
પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર માઈન્ડ કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે બિકાસ બુલી ગૌડા (ઉ.વ.19 રહે હાલ-કતારગામ, ઉત્કલ નગર,રેલ્વે લાઇન પાસે, ઝુપડપટ્ટી, સુરત શહેર. મુળરહે-ચટુલા ગામ,તલાસાહી મહોલ્લો, પોસ્ટ -કેનડુપદર,થાના-ગાંગપુર, જિ-ગંજામ, ઓડિશા)ની ધપરકડ કરી છે, ત્યાંજ માલ મંગાવનાર બાબુ નાહક અને વિક્રમ મગલુ પરીદા ઉર્ફ વિક (રહે-કતારગામ,ઉત્કલ નગર,સુરત. મુળરહે-સચીના, થાના- કોદલા, જિ-ગંજામ,ઓડિશા) તથા માલ આપનાર સીબરામ નાહક (મુળરહે-સચીના,થાના-કોદલા,જિ-ગંજામ,ઓડિશા)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરુ કરી છે.