નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલીસીમાં કથિત ગેરરીતિઓમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ગુરુવારે તિહાડ જેલમાં દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બીજા રાઉન્ડની પૂછપરછ શરૂ કરી છે. આ અગાઉ ઈડીએ આમ આદમી પાર્ટી (AAP)ના 51 વર્ષીય નેતાનું પાંચ કલાકની પૂછપરછના અંતે 7 માર્ચે પહેલી વખત નિવેદન નોંધ્યું હતું.
Advertisement
Advertisement
એક્સાઈઝ પોલીસીના અમલમાં કથિત ભ્રષ્ટાચાર અંગે પૂછપરછ
રદ કરાયેલી દિલ્હી લીકર અથવા એક્સાઈઝ પોલીસી 2021-22ની રચના અને તેના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં સીબીઆઈએ 26 ફેબ્રૂઆરીએ કરેલી સિસોદિયાની ધરપકડ બાદ હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ અગાઉ ઈડીએ તિહાડ જેલના સેલ નં. 1માં રહેલા સિસોદિયાની પૂછપરછ કરવા માટે કોર્ટની પરવાનગી લીધી હતી.
ઈડી સિસોદિયાને કથિત રૂપે તેમની પાસેના સેલફોન બદલવા અને તોડી નાંખવા અંગે તથા નીતિવિષયક નિર્ણયો અને દિલ્હીના એક્સાઈઝ મંત્રી તરીકે તેમણે અપનાવેલી સમયરેખા વિશે તેમની પૂછપરછ કરશે તેવી શક્યતા છે. એજન્સીએ કોર્ટ સમક્ષ દાખલ કરેલી તેની ચાર્જશીટમાં આ આરોપોનો સમાવેશ થાય છે.
ઈડીએ 7 માર્ચે પહેલી વખત સિસોદિયાનું નિવેદન નોંધ્યું
અગાઉ દિલ્હી એક્સાઈઝ નીતિ કેસમાં CBI બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ હાથ ધરી હતી. EDએ તિહાડ જેલમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું. EDને સિસોદિયાની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરવાની અને તેમનું નિવેદન રેકોર્ડ કરવાની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી પરવાનગી મળી છે.
દરમિયાન, મંગળવારે CBI હેડક્વાર્ટરમાં મનીષ સિસોદિયાના નિકટના સહયોગી દેવેન્દ્રની પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઉપરાંત, દિલ્હી એક્સાઈઝ નીતિ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં દિલ્હીની એક કોર્ટે હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લાઈને 13 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
કેજરીવાલે કહ્યું- જેલની કોટડી તેમની હિંમતને હરાવી નહીં શકે
દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અગાઉ મનીષ સિસોદિયા વિશે કહ્યું હતું, “આજે હું સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન માટે નહીં પણ દેશ માટે ચિંતિત છું. બંને ખૂબ બહાદુર છે, દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે તેવાં છે. જેલની કોટડી પણ સિસોદિયાની હિંમતને હરાવી શકશે નહીં
કેજરીવાલે ઉમેર્યું, “મેં નક્કી કર્યું છે કે હું હોળીના દિવસે દેશ માટે આખો દિવસ ધ્યાન કરીશ. તમને લાગે કે વડાપ્રધાનજી યોગ્ય નથી કરી રહ્યા, તો હું તમને વિનંતી કરું છું, હોળીની ઉજવણી કર્યા પછી, થોડા સમય માટે દેશ માટે પૂજા કરજો.”
કેરળના મુખ્યપ્રધાને વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો
કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને મનીષ સિસોદિયાની ધરપકડ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા તેમને પત્ર પાઠવ્યો છે. પત્રમાં તેમણે ખાસ તો આમ આદમી પાર્ટીના નેતાને રાજકીય કારણોસર લક્ષ્ય બનાવવામાં આવ્યા હોવાની ચાલી રહેલી કેટલીક વ્યાપક માન્યતાઓ વિશે સ્પષ્ટતા કરવા પર ભાર મૂક્યો છે. વિજયને જણાવ્યું કે તેઓ કેસના મેરીટ્સ પર કોઈ ટીકા-ટિપ્પણ કરશે નહીં. પરંતુ, સિસોદિયાની ધરપકડે કેન્દ્રીય તપાસ સંસ્થાઓની કેટલીક કાર્યવાહીએ આ દલીલને બળ પૂરું પાડ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Advertisement