Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > યુવાનોને મળી રહેલી પદવી ડીગ્રી પ્રમાણપત્ર જ નહીં પરંતુ ભવિષ્યની ઉજ્જવળ ભારતની અપેક્ષા-આકાંક્ષાનું ઉમ્મીદપત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

યુવાનોને મળી રહેલી પદવી ડીગ્રી પ્રમાણપત્ર જ નહીં પરંતુ ભવિષ્યની ઉજ્જવળ ભારતની અપેક્ષા-આકાંક્ષાનું ઉમ્મીદપત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0
5
  • ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ સંપન્ન
  • રાજ્યપાલ -મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 49 હજાર છાત્રોને પદવી એનાયત
  • સમગ્ર કોન્વોકેશન વર્ચ્યુઅલ યોજવાનો ગુજરાત યુનિવર્સિટીનો પ્રશંસનીય અભિગમ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના 70મા પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરતાં સમયાનુકૂળ આધુનિક શિક્ષા-દીક્ષાના આયુધથી સજ્જ થઈ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવા આહવાન કર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે આ યુવાનોને મળી રહેલી પદવી કે ડિગ્રી એ માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ ભવિષ્યના ઉજ્જવળ ભારતની અપેક્ષા-આકાંક્ષાનો ઉમ્મીદપત્ર છે.

યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ પદવીદાન સમારોહમાં અધ્યક્ષસ્થાને તથા શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોર વિશેષ અતિથિ તરીકે વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી સહભાગી થયા હતા. આ 70મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના કુલ 49 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી, પ્રમાણપત્રો તેમ જ 280 જેટલા મેડલ્સ અને 62 પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે આજે દેશને કર્તવ્યપરાયણ યુવાશક્તિની જરૂર છે. સત્યના માર્ગે, પોતાના કર્તવ્ય-ધર્મનું પાલન કરી, પદવીધારક યુવાનો નવા વિચાર, નવા સંકલ્પ અને નૂતન ઇનોવેશન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પ્રવૃત્ત થાય તેવો આગ્રહ પણ રાજ્યપાલે કર્યો હતો.

રાજ્યપાલે યુવા વિદ્યાર્થીઓને ભાવિ પેઢી માટે આદર્શ બનવાની પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, દીક્ષાંત બાદ વિદ્યાર્થીએ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંકલ્પબદ્ધ થઈ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે તેમજ સમાજ અને રાષ્ટ્રના ગૌરવને વધારવા પ્રવૃત્ત થાય. ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણની સમસ્યા, નશાખોરી જેવાં પડકારોને નાથવા યુવાશક્તિ આગળ આવે.

રાજ્યપાલે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોને નાથવા પ્રાકૃતિક કૃષિને સમયની માંગ ગણાવી યુવાનોને આ ક્ષેત્રે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

યુવાશક્તિના સામર્થ્યથી જ સશક્ત અને સમર્થ રાષ્ટ્રનું નિર્માણ થાય છે તેવું ભારપૂર્વક જણાવતા રાજ્યપાલે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે હર ક્ષેત્રમાં રાષ્ટ્રના ગૌરવને સ્થાપિત કરવા આહવાન કર્યું છે, ત્યારે દીક્ષાંત સમારોહ આ દિશામાં નવી પ્રેરણા પૂરી પાડશે. રાજ્યપાલે નવી શિક્ષણ નીતિ- 2020ને ભારતના ગરીમા-ગૌરવને ઉન્નત શિખરે લઈ જવાના ચિંતનરૂપ ગણાવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ પરંપરાગત રસ્તે ચાલીને સફળતા માટે પુરુષાર્થ કરે છે જ્યારે મહાન વ્યક્તિ પોતાનો માર્ગ જાતે કંડારે છે એટલું જ નહીં, અન્યને તે માર્ગે ચાલવા પ્રેરિત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનવા અનુરોધ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવા વિદ્યાર્થીઓને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે તેમને સમાજજીવનમાં પદાર્પણની જે તક મળી છે, તેને ઉન્નત ભારતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે 21મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. આ સદી ભારતની સદી છે માટે યુવાશક્તિએ પોતાનાં શોધ-સંશોધન, સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન વગેરેથી શક્તિશાળી અને જગદગુરુ ભારત બનાવવાની અગ્રેસરતા લેવાની છે.

ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક જ્ઞાનના પ્રવાહો પારખીને ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીની સ્થાપનાથી રાજ્યના યુવાધનને ગ્લોબલ એજ્યુકેશનની તક આપી છે.

મુખ્યમંત્રીએ આવી સેક્ટરલ યુનિવર્સિટીનાં ઉદાહરણો આપતાં ટિચર્સ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાન્તિ થઈ છે, તેણે દેશમાં ગુજરાતની યુવાશક્તિની વિશેષતા પૂરવાર કરી છે. પાછલા અઢી દાયકામાં રાજ્યમાં 95થી વધુ યુનિવર્સિટીઝે યુવાશક્તિને ઘરઆંગણે વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપી વિશ્વ સામે આંખમાં આંખ મેળવી ઊભા રહેવા સજ્જ બનાવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલે નવી શિક્ષણનીતિમાં હોલિસ્ટિક એજ્યુકેશનલ ડેવલપમેન્ટના પ્રધાનમંત્રીના ધ્યેયને સાકાર કરવા ગુજરાતે રોડમેપ તૈયાર કર્યો છે, તેની પણ ભૂમિકા આપી હતી.

તેમણે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગ્રીન-ક્લીન એનર્જી ક્ષેત્રે તેમ જ સ્વસ્થ ભાવિ પેઢી નિર્માણ માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે યોગદાન આપી પ્રધાનમંત્રીએ શરૂ કરેલી ગ્રીન-ક્લીન એન્વાયર્મેન્ટ અને પ્રાકૃતિક કૃષિથી ખેતી સમૃદ્ધિની વૃદ્ધિમાં જોડાવા પણ યુવાનોને પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીએ પદવી મેળવી રહેલા યુવા છાત્રોને રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ દર્શાવી રાષ્ટ્રના વિકાસમાં તથા જરૂરતમંદ વ્યક્તિઓના કલ્યાણમાં યોગદાન આપી સામાજિક દાયિત્વ નિભાવવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ પદવીદાન સમારોહના પ્રારંભે સૌને આવકાર્યા હતા.
તેમણે રાજ્યની સ્થાપના પહેલાંથી કાર્યરત થયેલી આ યુનિવર્સિટીએ યુનિવર્સિટી રેન્કિંગમાં મેળવેલી પ્રતિષ્ઠા, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ, ઈન્ક્યુબેટર એન્ડ ઈનોવેશન જેવા આયામોથી રાજ્યના હોનહાર યુવાનોને સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેની સવિસ્તાર વિગતો આપી હતી.

પ્રો-વાઈસ ચાન્સેલર જગદીશ ભાવસાર, વિવિધ વિદ્યાશાખાના વડાઓ, પ્રાધ્યાપકો ઉપરાંત પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat