Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નવમા નોરતે રાજયની 18 નારી શક્તિઓનું સન્માન કરાયું

નવમા નોરતે રાજયની 18 નારી શક્તિઓનું સન્માન કરાયું

0
96
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસનું પ્રાંગણ બન્યુ નારીશક્તિ અભિવંદનાનું આંગણ

  • જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની 18 નારીશક્તિને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરીને ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં અભિવાદન કર્યું હતું. આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે મુખ્યમંત્રી નિવાસ સ્થાનનું પ્રાંગણ માતૃશક્તિ-નારીશક્તિના અભિવાદનનું આંગણ બન્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘નારી તું નારાયણી’માં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે. નવરાત્રિમાં શક્તિનાં સ્વરૂપને વંદન કરી વિવિધ ક્ષેત્રે નારિશક્તિના યોગદાનને બિરદાવતાં કહ્યું કે, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. જો મહિલાઓને યોગ્ય તક મળે તો દરેક ક્ષેત્રમાં સફળતાનાં સર્વોચ્ચ શિખરો સર કરી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. સામાજિક બંધનોમાંથી મુક્ત થઈને મહિલાઓને આગળ વઘવા માટે મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું. દરેક સમસ્યાનો નીડર બનીને સામનો કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. મહિલાઓ જાગૃત થશે ત્યારે તેમના પ્રત્યેના સામાજિક દ્રષ્ટિકોણમાં ચોક્કસપણે બદલાવ આવશે. મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર મહિલા ઉત્કર્ષની યોજનાઓ દ્વારા પ્રતિબધ્ધ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અને આવી યોજનાઓના લાભ મેળવવામાં રાજ્ય સરકાર તેમને પુર્ણ સહયોગ આપશે તેમ ઉમેર્યું હતું.

કઇ 18 બહેનોનું સન્માન કરાયું ?

મુખ્યમંત્રીએ ‘નારાયણી નમોસ્તુતે’ અન્વયે જે 18 બહેનોનું સન્માન કર્યું તેમાં ટોક્યો પેરા-ઓલમ્પિકમાં ટેબલ ટેનિસની રમતમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ, ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમાર, માત્ર 19 વર્ષની નાની વયે કોમર્શિયલ પાયલટ બનનાર મૈત્રી પટેલ, કચ્છી મહિલા એન્ટરપ્રેન્યોર પાબીબેન રબારી, મેંગો જંક્શન સ્વીટશોપના સ્થાપક એવા મહિલા એન્ટરપ્રેન્યોર ડૉ. ધરા કાપડિયા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે મહિલા સ્વસહાય જૂથના પ્રમુખ પ્રેમીલાબેન તડવી, વિચરતી-વિમુક્ત જાતિના ઉત્કર્ષ માટે કામ કરતાં સમાજિક કાર્યકર મિત્તલ પટેલ, કોરોના દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની અંતિમવિધિ કરનાર હિનાબેન વેલાણી, કોરાનાકાળમાં ટ્રક રાઈડ દ્વારા ગામડાઓમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરનાર દુરૈયા તપિયા, દિવ્યાંગ સામાજિક કાર્યકર શોભના સપન શાહ, સામાજિક કાર્યકર રસીલાબેન પંડ્યા, આર.જે અને યુ-ટ્યુબર અદિતી રાવલ, સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રેડિયો જોકી ડૉ. નીલમ તડવી, સંગીત કલાકાર સ્તુતિ કારાણી, ભરત નાટ્યમના કલાકાર માનસી પી. કારાણી, લેખિકા, એન્કર પાર્મીબેન દેસાઈ, પ્રગતિશીલ ખેડૂત ભારતીબેન રામદેવ ખૂંટી તેમજ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારથી સન્માનિત દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat